તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
વાઘ અને સિંહ ઘાસ ખાય છે આ ભૂખ નહીં પરંતુ પાચનતંત્ર માટેની કુદરતી પ્રક્રિયા
સક્કરબાગ ઝૂના ડાયરેક્ટરે આ તમામ અટકળોને ફગાવી સ્પષ્ટતા કરી છે

અમદાવાદઃ સિંહ ભૂખ્યો રહે પણ ખળ/ઘાસ ન ખાય' કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સામે આવેલા વીડિયો બાદ આ કહેવતને લઈને ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં સિહ અને વાઘ લીલું ઘાસ ખાતા જોવા મળતા સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઊભા થયા હતા. કેટલાક લોકોએ તો પ્રાણીઓને પૂરતો ખોરાક મળતો નથી તેવી અટકળો પણ વ્યક્ત કરી હતી. જોકે, સક્કરબાગ ઝૂના ડાયરેક્ટરે આ તમામ અટકળોને ફગાવી સ્પષ્ટતા કરી છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, સિંહ અને વાઘનું ઘાસ ખાવું એકદમ સ્વાભાવિક અને કુદરતી પ્રક્રિયા છે. તેનો અર્થ એ નથી કે તેમને પૂરતો ખોરાક મળતો નથી. તેમણે જણાવ્યું કે સિંહ, વાઘ, દીપડો અને બિલાડી કુળના અન્ય પ્રાણીઓ 'ઓબ્લિગેટ કાર્નિવોર્સ' છે. એટલે કે તેઓ સંપૂર્ણપણે માંસાહારી પ્રાણીઓ છે અને ઘાસ તેમનો ખોરાક નથી. તેમ છતાં તેઓ સમયાંતરે ઘાસ ખાય છે, કારણ કે તે તેમના પાચનતંત્ર માટે ફાયદાકારક હોય છે. ઝૂના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, મનુષ્યો જેમ પાચન સુધારવા માટે ફાઈબરયુક્ત ખોરાક લે છે, તેવી જ રીતે સિહ અને વાઘ માટે ઘાસ કુદરતી ફાઈબરનું કામ કરે છે. શિકાર કરતી વખતે તેમના પેટમાં શિકારના વાળ અને હાડકાના નાના ટુકડાઓ પણ પહોંચી જાય છે. આ અપાચ્ય પદાર્થોને બહાર કાઢવા અને આંતરડાની સ્વાભાવિક ગતિ ( Peristalsis) જાળવવા માટે ઘાસ મદદરૂપ બને છે. કેટલીકવાર પેટની અસ્વસ્થતા દૂર કરવા અથવા અપાચ્ય વસ્તુઓ ઊલટી દ્વારા બહાર કાઢવા માટે પણ તેઓ ઘાસ ખાય છે. રાજદીપસિહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે, સિહ અને વાઘ રોજ ઘાસ ખાતા નથી. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યારે કૂણું અને લીલું ઘાસ ઊગે છે ત્યારે તેઓ તેને પસંદ કરે છે. ઘાસ સુકાઈ જાય પછી તેઓ સામાન્ય રીતે તેને ખાતા નથી. તેથી સિહ કે વાઘનું ઘાસ ખાવું એ ભૂખ અથવા ખોરાકની અછતનું નહીં, પરંતુ તેમના પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટેની કુદરતી પ્રક્રિયાનું એક સામાન્ય વર્તન છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
