News of Friday, 20th November 2026
અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
2000 જેટલા પોલીસકર્મીઓ અને 1500 પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે:બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ડ્રોનથી નજર રખાશેકોન્સર્ટને પગલે મેટ્રોનો સમય રાત્રે 11:30 સુધી વધારાયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પંજાબી સિંગર દિલજીત દોસાંઝનો ભવ્ય કોન્સર્ટ યોજાવાનો છે. કોન્સર્ટને લઈને અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોન્સર્ટ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાનારા આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટવાની શક્યતા છે.
કોન્સર્ટની સુરક્ષા માટે અંદાજે 2000 પોલીસકર્મીઓ અને 1500 જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત રહેશે. આ ઉપરાંત SRP ની ત્રણ ટીમો પણ બંદોબસ્તમાં જોડાશે. સુરક્ષાની જવાબદારી 1 JCP, 5 DCP, 9 ACP, 22 PI અને 74 PSI સહિતના અધિકારીઓ સંભાળશે. SOG, ક્રાઇમ બ્રાન્ચ અને મેડિકલ ટીમો પણ સ્ટેડિયમ ખાતે તૈનાત રહેશે.
સ્ટેડિયમમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. CCTV કેમેરા અને ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવશે. સાયબર ક્રાઇમની ટીમ સોશિયલ મીડિયા અને ઈમેઇલ પર નજર રાખશે. કોન્સર્ટની ટિકિટોની કાળા બજારી અટકાવવા પણ સાયબર ટીમ એલર્ટ રહેશે. ખોટી અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
કોન્સર્ટમાં આવનારા લોકોને ટ્રાફિકની સમસ્યાથી બચાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11:30 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. વાસણા APMC અને મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવા ઉપલબ્ધ રહેશે.
રાત્રે 11 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી પ્રવેશ માટે ખાસ પેપર ટિકિટ ફરજિયાત રહેશે. આ ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા નક્કી કરાયો છે. રાત્રે 11 વાગ્યા પછી સામાન્ય ટોકન, સ્માર્ટ કાર્ડ અને QR ટિકિટથી પ્રવેશ મળશે નહીં. પ્રેક્ષકોએ ટિકિટમાં દર્શાવેલા ગેટ પ્રમાણે જ સ્ટેડિયમમાં પ્રવેશ લેવાનો રહેશે.
બીજી તરફ દિલજીતના કોન્સર્ટ પહેલાં ચંદીગઢથી એક પ્રોફેસર અમદાવાદ આવ્યા છે. તેમણે દિલજીતનાં ચાર ગીતો સહિત કેટલીક બાબતોને લઈને ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસ કમિશનરે મોટેરા પોલીસને તપાસ સોંપી છે. મોટેરા પોલીસે ફરિયાદ કરનાર પ્રોફેસરને જવાબ આપવા માટે બોલાવ્યા છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
