<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વ્યસનની લત ધરાવતા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ 181 અભયમ્ની મદદ માંગી, ટીમે સમજાવટથી કરાવ્યું સુમેળભર્યું સમાધાન

181 ટીમની અસરકારક કામગીરીથી કાઉન્સેલિંગ, સરળ કાયદાકીય સમજ અને માર્ગદર્શન દ્વારા પતિ-પત્ની વચ્ચે ફરી સુમેળ સ્થાપિત કરાયો

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાંથી એક મહિલાએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી મદદની માંગ કરી હતી. મહિલાએ જણાવેલ કે, તેમના પતિ વ્યસનની લતના કારણે વારંવાર તેમની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતા હતા તેમજ નશો કરવા માટે મહિલાના દાગીના લઈ વેચી નાખવાની બળજબરીપૂર્વક માંગણી કરતા હતા. આ બાબતમાં મહિલાના સાસુ પણ તેમના પતિને સાથ આપતા હોવાથી મહિલા માનસિક રીતે પરેશાન થઈ હતી અને અંતે 181 અભયમ્ની મદદ લીધી હતી.
માહિતી મળતા જ 181 અભયમ્ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષોની હાજરીમાં સમગ્ર ઘટનાની હકીકત જાણી હતી. ટીમ દ્વારા પતિ, સાસુ અને મહિલાનું અલગ-અલગ તેમજ સંયુક્ત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાના પતિ દ્વારા તેને મારઝૂડ કરવામાં આવતી હતી તેમજ દાગીના લેવા માટે દબાણ કરવામાં આવતું હતું. 181 ટીમ દ્વારા બંને પક્ષોને શાંતિપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા હતા કે, મહિલાને મારઝૂડ કરવી, માનસિક ત્રાસ આપવો કે તેના દાગીના (સ્ત્રીધન) બળજબરીથી લેવા યોગ્ય નથી. મહિલાને સન્માન અને સુરક્ષા સાથે રહેવાનો અધિકાર છે.
આ દરમિયાન ગામના સામાજિક આગેવાનશ્રી પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમણે પણ બંને પક્ષોને સમજાવી પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવા માટે સલાહ-સૂચન આપ્યા હતા.
181 ટીમની સમજાવટ અને કાઉન્સેલિંગથી બંને પક્ષોએ પોતાની ભૂલો સમજી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી આપી હતી. આમ, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ કામગીરીથી મહિલાને જરૂરી સહાય મળી અને બંને પક્ષો વચ્ચે સુમેળભર્યું સમાધાન કરાવવામાં સફળતા મળી હતી

(10:24 PM IST)