<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

અમદાવાદમાં પ્રેમ સંબંધમાં સતત માનસિક ત્રાસથી કંટાળી યુવકે વિડિઓ કોલ ચાલુ રાખી નભોઈ કેનાલમાં મોતની છલાંગ લગાવી

પ્રેમિકાના પિતા દ્વારા અપાતી સતત ધમકીઓ અને દબાણને કારણે યુવકે જીવન ટૂંકાવવાનો આત્મઘાતી નિર્ણય લીધો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પ્રેમ સંબંધના કારણે સર્જાયેલા માનસિક ત્રાસે એક 21 વર્ષીય  યુવકનો જીવ લીધો છે. પ્રેમિકાના પિતા દ્વારા આપવામાં આવતી સતત ધમકીઓ અને દબાણને કારણે યુવકે જીવન ટૂંકાવવાનો આત્મઘાતી નિર્ણય લીધો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.

અમદાવાદના ઓઢવ સ્થિત સુવાસ ઓરમ ફ્લેટમાં રહેતા 21 વર્ષીય યુવકે જાન્યુઆરી 2026માં ગાંધીનગર પાસે આવેલી નભોઈ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુવકે આ પગલું ભરતા પહેલા પોતાની ગર્લફ્રેન્ડ અને તેની બહેનને વીડિયો કોલ કર્યો હતો. વીડિયો કોલ ચાલુ હોવા છતાં, તે ક્ષણિક આવેશમાં દોડીને નર્મદા કેનાલના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યો હતો. આપઘાત પૂર્વેનો કેનાલ પાસેનો તેનો છેલ્લો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે આ ગંભીર પરિસ્થિતિની સાક્ષી પૂરે છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવક અને તેની પ્રેમિકા વચ્ચેના સંબંધોથી યુવતીના પિતા નારાજ હતા. તેઓ અવારનવાર યુવકને ફોન પર કે રૂબરૂ મળીને ધમકીઓ આપતા હતા. પિતા દ્વારા તેને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, "મારી દીકરીને ભૂલી જજે અને હવે પછી તેની સાથે વાતચીત ન કરતો, નહીં તો તને ચેનથી જીવવા નહીં દઉં અને પોલીસ ફરિયાદ કરીશ." આ પ્રકારના સતત માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી યુવક ભાંગી પડ્યો હતો. અંતે કોઈ રસ્તો ન જણાતા તેણે મોતને વહાલું કર્યું હતું.

આશ્ચર્યની વાત એ છે કે આ કરુણ ઘટના જાન્યુઆરીમાં બની હોવા છતાં, કાયદાકીય પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને લગભગ 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. યુવકના પરિવારે ન્યાય માટે કરેલી રજૂઆતો બાદ હવે ઓઢવ પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો અને માનસિક ત્રાસ ગુજારવાનો ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે ટેકનિકલ પુરાવાઓ અને વીડિયો ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે. 

(9:44 PM IST)