હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજથી તબક્કાવાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળશે
આજે ૮૪ નગરપાલિકામાં પ્રમુખ, કારોબારી ચેરમેનના નામો જાહેર થશે, ક્યાંક બહુમતિ સામે પ્રમુખ બીજા પક્ષનો હશે : સંભવતઃ ૨૬થી ૨૮ દરમિયાન અમદાવાદ સહિતના મહાનગરોમાં નવા મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પત્તા ખુલશેઃ ૨૩ અને ૨૫ મેઃ ૧૭-૧૭ જિલ્લા પંચાયતો અને તેની તાલુકા પંચાયતોમાં બોર્ડ મળશે

અમદાવાદ,તા.૧૯: ગુજરાતમાં મિની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાને લગભગ બે સપ્તાહ જેટલો સમય પસાર થયા પછી હવે મંગળવારથી ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળશે. રાજ્યની ૩૪ જિલ્લા, ૨૯૦ તાલુકા, ૮૪ નગરપાલિકા અને ૧૫ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો ૨૮ એપ્રિલે જાહેર થયા હતા. ૧૯મી મેના રોજ પહેલા નગરપાલિકાઓમાં પ્રમુખ, કારોબારી ચેરમેનના હોદ્દેદારોના નામો જાહેર થશે અને તેઓ પદભાર સંભાળશે. શહેરી વિકાસ વિભાગે કલેક્ટરોને પાલિકાઓ માટે પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા માટે સૂચનાઓ આપી હતી. વિકાસ કમિશનર દ્વારા જિલ્લા અને તાલુકાઓ માટે પણ સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. આમ, ૧૯મીએ નગરપાલિકા, ૨૩ અને ૨૫ મે એમ બે દિવસ ૧૭-૧૭ જિલ્લા પંચાયતો અને તેના તાબા હેઠળ આવતી તાલુકા પંચાયતોમાં પ્રમુખ, કારોબારી ચેરમેનની ચૂંટણી થશે. જ્યારે સૌથી અંતમાં ર૬થી ૨૮ મે દરમિયાન મહાનગરપાલિકાઓમાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતાના નામો જાહેર થશે.
આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના ૮૦ ટકાથી વધુ ભૂભાગને આવરી લેતી સ્થાનિક ચૂંટણીમાં ભાજપને ૩૩ જિલ્લા, ૨૩૦ તાલુકા, ૭૭ પાલિકા, ૧૫ મહાનગરોમાં સત્તા મળી છે. અમદાવાદ મહાનગર સિવાયના શહેરોમાં કોંગ્રેસને માન્ય વિરોધપક્ષ તરીકે પદ મળે એટલી બેઠકો પણ મળી નથી. ભાજપને ૯૦ ટકા સત્તા મળી હોવાથી નવા હોદ્દેદારોના નામોને લઈ બે વખત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકોમાં નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા નવા સભ્યો, સંગઠન પાસેથી સેન્સ લઈને નામો રજૂ કરાયા હતા. જોકે, આટલી મોટી સંખ્યામાં નામોની પસંદગીનો મામલો ખાસ્સો ગુંચવાયો છે. વિશેષ કરીને અમદાવાદ જેવા મહત્ત્વના મહાનગરમાં મેયર પછીના પદો માટે સામાજિક સમીકરણો અને અનુભવીઓની પસંદગીનો મામલો ખાસ્સો ગુંચવાયો છે. ભાજપે સ્થાનિક સંસ્થાઓમાં નવા ભોર્ડની બેઠક પહેલા મેન્ડેટ સાથે આગેવાન પહોંચશે અને પક્ષને નક્કી કરેલા નામની જાહેરાત કરશે.
વિતેલા સપ્તાહમાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પણ અમદાવાદ મહાનગરના હોદ્દેદારોના નામો અંગે વિશ્વાસમાં લેવાયા છે. જોકે, કોના પર કળશ ઢોળાશે એના અંગે હજુ કોઈ ફોડ પાડીને કહી શકતું નથી. પરંતુ અમદાવાદ જ નહીં ચાળીસેક ટકા સંસ્થાઓમાં મહત્ત્વના નામોને લઈને ભારે ખેંચતાણ છે. ત્યારે હવે મંગળવારથી શરૂ થઈ રહેલી તબક્કાવાર પ્રક્રિયામાં ધીમે ધીમે પત્તા ખુલશે એના પર સૌની નજર છે.
જોકે, ૩૯૩ સ્થાનિક સંસ્થાઓમાં મેયર સહિતના મુખ્ય પદો માટે ઘણી સંસ્થાઓમાં અનામત રોટેશન લાગુ થતું હોવાથી મહાનગરપાલિકાઓને બાદ કરતાં અન્ય સંસ્થાઓમાં અમુક જગાએ એવું બનશે કે બહુમતિ છતાંય અનામત ઉમેદવાર અન્ય પક્ષનો હોય તો તેને જ પદ સોંપવું પડી શકે છે. ખાસ કરીને તાલુકા અને નગરપાલિકામાં કેટલીક જગાએ આ સ્થિતિ સર્જાઈ શકે છે. ચાર પાલિકામાં ટાઈ પડી છે. એ જ રીતે નવ તાલુકા પંચાયતોમાં આવી સ્થિતિ છે. આ પૈકીની પાંચ તાલુકા પંચાયતોમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા સમાન છે. કોંગ્રેસને ભય છે કે ભાજપ ચૂંટણી ફોર્મ ભરતા રોક્યા હતા એવી જ સ્થિતિ આ વખતે કરી શકે છે એટલે કેટલીક પંચાયતોમાં કોંગ્રેસના સભ્યોને સલામત રાખવા રિસોર્ટમાં રખાયા છે. ટાઈ વાળી સંસ્થાઓમાં આખરે ચીઠ્ઠી ઉછાળીને પ્રમુખપદના નેતાની જાહેરાત થશે એને સત્તા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
