News of Thursday, 26th November 2026
ભારતની શ્વેતક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનની આજે ૧૦૫મી જન્મજયંતિ
રાષ્ટ્રીય દૂધ દિવસ ૨૬ નવેમ્બરનું વિશેષ મહત્ત્વ અમૂલની સફળતાથી ભારત ને વિશ્વના અગ્રણી દૂધ ઉત્પાદક દેશોમાં સ્થાન અપાવનાર મહાન દૂધ ક્રાંતિકારીને ભાવભીની શ્રદ્ધાંજલિ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતના ડેરી ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર, લાખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક પરિવર્તન લાવનાર તથા સહકારી ચળવળને નવી ઓળખ અપાવનાર ડૉ. વર્ગીસ કુરિયનની આજે ૨૬ નવેમ્બરના રોજ ૧૦૫મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ભારતમાં શ્વેતક્રાંતિ ના જનક તરીકે ઓળખાતા ડૉ. વર્ગીસ કુરિયને અમૂલ જેવી સહકારી સંસ્થાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન માત્ર એક ઉદ્યોગપતિની સફળતાની કહાની નથી, પરંતુ ગ્રામ્ય ભારતના આર્થિક અને સામાજિક પરિવર્તનનો પ્રેરણાદાયી ઇતિહાસ છે. તેમણે સાબિત કર્યું હતું કે જો ગામડાના ખેડૂતોને યોગ્ય સંગઠન, ટેકનોલોજી, બજાર અને વ્યવસ્થાપન મળે તો તેઓ દેશના આર્થિક વિકાસમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૧ના રોજ કેરળના કોઝિકોડ (તત્કાલીન કાલિકટ) ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પુથેનપરક્કલ કુરિયન હતું. મદ્રાસની લોયોલા કોલેજમાંથી વિજ્ઞાન નો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મદ્રાસ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ ની ડિગ્રી મેળવી હતી. વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ની મિશિગન સ્ટેટ યુનિવર્સિટી ગયા હતા, જ્યાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ માં અનુતાાતક અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ભારત પરત ફર્યા બાદ વર્ષ ૧૯૪૯ માં તેઓ ગુજરાત ના આણંદ ખાતે સરકારી ક્રીમરી માં ડેરી એન્જિનિયર તરીકે જોડાયા હતા. આ જ નિર્ણય તેમના જીવનની દિશા અને ભારતના ડેરી ઉદ્યોગનું ભવિષ્ય બદલી નાખનાર સાબિત થયો.
આણંદમાં આવ્યા ત્યારે દૂધ ઉત્પાદક ખેડૂતોને વચેટિયાઓ ના કારણે યોગ્ય ભાવ મળતો નહોતો. ખેડૂતોનું શોષણ થતું હતું અને દૂધના વેચાણ પર ખાનગી વેપારીઓનું વર્ચસ્વ હતું. તે સમયે સહકારી આંદોલનના અગ્રણી ત્રિભુવનદાસ પટેલ ખેડૂતો ને સંગઠિત કરીને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવા પ્રયત્નશીલ હતા. ડૉ. કુરિયન ત્રિભુવનદાસ પટેલ ના સંપર્કમાં આવ્યા અને ખેડૂતોના હિત માટે કામ કરવાનો નિર્ણય કર્યો. તેમણે સરકારી નોકરી છોડીને ખેડૂતોના સહકારી આંદોલન સાથે જોડાવાનું પસંદ કર્યું.
વર્ષ ૧૯૪૬ માં સ્થાપિત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના વિકાસ માં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ સંસ્થા ના દૂધ અને દૂધ ની બનાવટોના વેચાણ માટે ‘અમૂલ' બ્રાન્ડને વિકસાવવામાં તેમનું યોગદાન રહ્યું. આજે અમૂલ માત્ર એક દૂધ ની બ્રાન્ડ નથી, પરંતુ ભારતના સહકારી આંદોલન અને ગ્રામ્ય અર્થતંત્રની ઓળખ બની ગયું છે.
આઝાદી બાદ ભારત દૂધ ની અછતનો સામનો કરી રહ્યું હતું. દેશ ને દૂધ અને દૂધની બનાવટોની જરૂરિયાત પૂરી કરવા આયાત પર આધાર રાખવો પડતો હતો. આ પરિસ્થિતિ બદલવા માટે તેમણે સહકારી મોડલના આધારે દેશભરમાં દૂધ ઉત્પાદન, સંગ્રહ, પ્રોસેસિંગ અને વિતરણની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં કામગીરી કરી. ૧૯૬૫ માં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) ની સ્થાપના થઈ અને ડૉ. કુરિયન તેના -થમ અધ્યક્ષ બન્યા ત્યારબાદ તેમણે ઓપરેશન ફ્લડ કાર્યક્રમ તૈયાર કર્યો, જેનો અમલ વર્ષ ૧૯૭૦ માં શરૂ થયો.
આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશો હતાઃ ગામડાના દૂધ ઉત્પાદકોને સહકારી મંડળીઓ સાથે જોડવા. ખેડૂતોને દૂધના યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી. દૂધનું ઉત્પાદન અને ગુણવત્તા વધારવી. દૂધને ગામડાંમાંથી શહેરોના બજારો સુધી પહોંચાડવું. દૂધની આયાત પરની નિર્ભરતા ઘટાડવી. પશુપાલકોને આર્થિક રીતે સશક્ત બનાવવા. ઓપરેશન ફ્લડ ના ત્રણ તબક્કાઓ દ્વારા દેશના ડેરી ઉદ્યોગમાં વ્યાપક પરિવર્તન આવ્યું. આ કાર્યક્રમને વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમોમાં સ્થાન મળ્યું.
દેશના ડેરી ઉદ્યોગ અને ખેડૂતોના ઉત્થાન માટેના તેમના યોગદાન બદલ તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ પુરસ્કારઃ ૧૯૬૩ રેમન મેગ્સેસે એવોર્ડ,૧૯૬૫ પદ્મશ્રી, ૧૯૬૬ પદ્મભૂષણ, ૧૯૮૬ વાટેલર શાંતિ પુરસ્કાર,૧૯૮૬ કળષિ રત્ન, ૧૯૮૯ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, ૧૯૯૯ પદ્મવિભૂષણ આ પુરસ્કારો તેમ ના કાર્ય ની રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મળેલી માન્યતા દર્શાવે છે.
ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ ને યાદગાર બનાવવા માટે ભારતમાં દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે.વર્ષ ૨૦૧૪ થી આ દિવસ ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ દેશના ડેરી ક્ષેત્રના વિકાસમાં ખેડૂતો, પશુપાલકો, સહકારી સંસ્થાઓ અને ડેરી ઉદ્યોગના યોગદાનને બિરદાવવાનો છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દેશના લાખો પશુપાલકોની મહેનત અને સહકારી વ્યવસ્થાના કારણે ભારતે દૂધ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે.
ડૉ. વર્ગીસ કુરિયનનું ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ ગુજરાત ના આણંદ ખાતે ૯૦ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના અવસાન થી ભારતે ડેરી ઉદ્યોગ ના એક મહાન સ્વપ્નદ્રષ્ટા, સંસ્થાના નિર્માતા અને ખેડૂતોના હિતચિંતકને ગુમાવ્યા હતા. પરંતુ તેમણે ઊભી કરેલી સહકારી વ્યવસ્થા, અમૂલ બ્રાન્ડ અને ડેરી વિકાસનું માળખું આજે પણ લાખો પરિવારોની આજીવિકાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.
ડૉ. વર્ગીસ કુરિયનનું જીવન આપણને શીખવે છે કે સાચો વિકાસ ત્યારે જ શકય બને છે જ્યારે વિકાસનાં સાધનો સામાન્ય માણસના હાથમાં હોય. તેમણે ખેડૂતોને માત્ર દૂધ વેચતા ઉત્પાદકો તરીકે નહીં, પરંતુ પોતાની સહકારી સંસ્થાના માલિક અને ભાગીદાર તરીકે ઓળખ અપાવી હતી.
આજે જ્યારે ભારત વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ઓળખાય છે, ત્યારે તેની પાછળ ડૉ. કુરિયનના દાયકાઓના સંઘર્ષ, દૂરંદેશી અને આયોજનબદ્ધ કામગીરીનું મોટું યોગદાન છે. આજે તેમની ૧૦૫મી જન્મજયંતિ નિમિત્તે શ્વેતક્રાંતિના જનક, ભારતના ડેરી ઉદ્યોગના શિલ્પી અને લાખો પશુપાલકોના જીવનમાં આર્થિક પરિવર્તન લાવનાર મહાન વ્યક્તિત્વ ડૉ. વર્ગીસ કુરિયનને ભાવભીની શ્રદ્ધાંજલિ....
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
