<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય સત્રનો આજે અંતિમ દિવસ : વિવિધ વિભાગોના પ્રશ્નો અને અછતની પરિસ્થિતિ પર ચર્ચા થશે

નિગમો અને સમિતિઓના અહેવાલો રજૂ કરાશે : ભાજપના મોહનભાઈ દ્વારા દ્રઢ સંકલ્પ રજૂ થયા બાદ સત્રની સમાપ્તિ થશે : હવે ફેબ્રુઆરી-૨૦૨૭ માં બજેટ સત્ર મળશે

(અશ્વિન વ્યાસ, દ્વારા) ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ટૂંકા સત્રનો આજે અંતિમ દિવસ છે. સત્રના અંતિમ દિવસે ગૃહની કાર્યવાહી દરમિયાન વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને રાજ્યના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે.

આજે પ્રશ્નોત્તરીના સમયમાં શહેરી વિકાસ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, પશુપાલન, શ્રમ અને રોજગાર વિભાગ, વન અને પર્યાવરણ, સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા હાથ ધરવામાં આવશે.

ત્યારબાદ, વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ મુજબ રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે આવનારા દિવસોમાં ઊભી થનારી અછતની પરિસ્થિતિ અંગે વિપક્ષના ડૉ. તુષાર ચૌધરી, અમિત ચાવડા અને કિરીટ પટેલ દ્વારા ચર્ચા હાથ ધરવામાં આવશે.

આ ચર્ચા પૂર્ણ થયા પછી વિવિધ નિગમોના વાર્ષિક અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે અને વિવિધ સમિતિઓના અહેવાલોની કામગીરી હાથ ધરાશે. સત્રના અંતમાં ભાજપના મોહનભાઈ દ્વારા દ્રઢ સંકલ્પ રજૂ થશે. ત્યારબાદ સત્રની સત્તાવાર સમાપ્તિ થશે અને હવે ફેબ્રુઆરી-૨૦૨૭ માં રાજ્ય સરકારનું આખરી બજેટ સત્ર મળશે.

(10:39 AM IST)