તા. ૨૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 8th July 2026
આજે વિશ્વ એલર્જી દિવસઃ વિશ્વમાં દર ત્રીજો વ્યક્તિ એલર્જીના જોખમ હેઠળ!
ચોમાસામાં એલર્જીને લગતા કેસો વધવાની શક્યતા : ભેજ, ફંગસ, ધૂળ, પરાગકણ અને વાયુ પ્રદૂષણના કારણે કેસો વધે છે

અમદાવાદ,તા.૮: ૮ જુલાઈનો દિવસ 'વિશ્વ એલર્જી દિવસ' તરીકે ઉજવાય છે. આ નિમિત્તે એલર્જી અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. વિશ્વભરમાં ૩૦ થી ૪૦% લોકો જીવનના કોઈ ને કોઈ તબક્કે એલર્જીથી પ્રભાવિત થાય છે. એલર્જી અને અસ્થમા જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
ગુજરાતમાં પણ ચોમાસાની ઋતુ દરમિયાન ભેજ, ફંગસ, ધૂળ, પરાગકણ અને વાયુ પ્રદૂષણના કારણે નાક, આંખ, ત્વચા અને શ્વાસ સંબંધિત એલર્જીના કેસોમાં વધારો જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં વધતા પ્રદૂષણને કારણે એલર્જી ધરાવતા દર્દીઓ માટે વરસાદી મોસમ વધુ પડકારજનક બની રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એલર્જીના કારણે વારંવાર છીંક આવવી, નાકમાંથી પાણી વહેવું, આંખોમાં ખંજવાળ, ચામડી પર ચકામા, શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમાના હુમલા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. ગંભીર કિસ્સામાં 'એનાફાઇલેક્સિસ' જેવી જીવલેણ એલર્જીક પ્રતિક્રિયા પણ થઈ શકે છે, જેમાં તાત્કાલિક સારવાર જરૂરી બને છે. ડોક્ટરો સલાહ આપે છે કે, ધૂળવાળા સ્થળોએ માસ્ક પહેરવો, ઘરમાં ભેજ અને ફંગસ ન વધવા દેવી, નિયમિત સફાઈ રાખવી, એલર્જી વધારતા પદાર્થોથી દૂર રહેવું અને વારંવાર તકલીફ થાય તો એલર્જી નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. વિશ્વ એલર્જી દિવસનો મુખ્ય ઉદ્દેશ એલર્જીની વહેલી ઓળખ, યોગ્ય સારવાર અને બચાવ અંગે લોકોમાં જાગૃતિ વધારવાનો છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
