News of Thursday, 25th June 2026
કાલે ૨૬ જૂન ‘આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોના દુરુપયોગ - ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ' : તા. ૧૭ થી ૨૬ જૂન દરમિયાન ‘નશા મુક્ત ભારત અભિયાન – વિકસિત ભારતની ઓળખ’ થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહની ઉજવણી
નશામુક્તિ જાગૃતિ માટે ઓનલાઈન શપથ પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા સમાજ સુરક્ષા નિયામકનો અનુરોધ : વર્ષ-૨૦૨૦થી ગુજરાતને નશામુક્ત બનાવવા સમાજ સુરક્ષા વિભાગનું મહા-અભિયાન: ૨૪,૦૦૦ કાર્યક્રમો થકી ૯૦ લાખથી વધુ નાગરિકો જોડાયા

અમદાવાદ તા.૨૫ : દર વર્ષે ૨૬ જૂનના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ’ અંતર્ગત, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં તા. ૧૭ થી ૨૬ જૂન દરમિયાન ‘નશા મુક્ત ભારત અભિયાન – વિકસિત ભારતની ઓળખ’ થીમ હેઠળ રાજ્યવ્યાપી વિશેષ જનજાગૃતિ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૨૬ જૂનના મુખ્ય દિવસ સુધી યોજાનારી નશામુક્તિ જાગૃતિની ઓનલાઈન શપથ પ્રક્રિયામાં , રાજ્યના વધુમાં વધુ નાગરિકો સહભાગી બને તે માટે સમાજ સુરક્ષા નિયામક દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટીતંત્ર, શાળાઓ, કોલેજો, મહિલા મંડળો અને સામાજિક સંસ્થાઓના સક્રિય સંકલનથી આ અભિયાન હવે એક સબળ ‘જન આંદોલન’ બની ચૂક્યું છે. આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૦થી શરૂ કરીને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૨૪,૦૦૦થી વધુ જનજાગૃતિ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક યોજવામાં આવી છે. જેમાં જનજાગૃતિ રેલીઓ, સેમિનારો, નશામુક્તિ રથ ભ્રમણ, સાઇન અભિયાન - સિગ્નેચર કેમ્પેન, પ્રતિજ્ઞા કાર્યક્રમો તેમજ શાળા-કોલેજોમાં ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ અને IEC- ઇન્ફોર્મેશન-એજ્યુકેશન-કોમ્યુનીકેશન દ્વારા પ્રચાર સામગ્રીના વિતરણ જેવી વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક જનજાગૃતિ સર્જવામાં આવી છે. આ તમામ લોકજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ થકી અત્યાર સુધીમાં રાજ્યના અંદાજિત ૯૦ લાખથી વધુ નાગરિકોએ આ ઉત્કૃષ્ટ અભિયાનમાં સહભાગી બનીને પોતાનો ભવ્ય અને અભૂતપૂર્વ સહયોગ આપ્યો છે.
આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ટેકનોલોજીના માધ્યમથી વધુમાં વધુ નાગરિકો, ખાસ કરીને યુવાનો જોડાઈ શકે તે માટે વિશેષ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. રાજ્યના તમામ નાગરિકો ઓનલાઇન શપથ ગ્રહણ માટેની લિંક https://nmba.dosje.gov.in/content/take-a-pledge ના માધ્યમથી નશામુક્તિ માટેના ડિજિટલ શપથ લઈ શકે છે. આ ઉપરાંત, સક્રિય નાગરિકો ‘નશા મુક્તિ મિત્ર’ સ્વયંસેવક તરીકે જોડાવવા માટે લિંક https://nmba.dosje.gov.in/volunteer/registration પર પોતાની નોંધણી કરાવી શકે છે. આ અભિયાન અંતર્ગત પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા જેવા તમામ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરીને નશીલા પદાર્થોની જીવલેણ આડઅસરો વિશે સમાજના દરેક વર્ગમાં વ્યાપક લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
સમાજ સુરક્ષા નિયામક દ્વારા રાજ્યના તમામ પ્રબુદ્ધ નાગરિકો, યુવાનો અને પરિવારોને નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ ઓનલાઇન શપથ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા તેમજ પોતાની આસપાસના નાગરીકોને પણ આ લોક-અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરવા માટે હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
