તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ : છેલ્લા 12 કલાકમાં નેત્રંગમાં 11 ઇંચ ખાબક્યો : 6 માર્ગો બંધ કરાયા
ભરૂચ-અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ :હાંસોટમાં 4 ઇંચ, ઝઘડિયામાં 3 ઇંચ અને વાગરામાં 2 ઇંચ વરસાદ:આમોદ અને જંબુસર તાલુકામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો

ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 12 કલાકના સમયગાળામાં મેઘો મૂશળધાર વરસ્યો છે. આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
આ ભારે વરસાદની સૌથી વધુ અસર નેત્રંગ તાલુકામાં જોવા મળી છે, જ્યાં મેઘરાજાએ સૌથી વધુ કહેર વર્તાવતા 11 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હાંસોટમાં 4 ઇંચ, ઝઘડિયામાં 3 ઇંચ અને વાગરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આમોદ અને જંબુસર તાલુકામાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસી રહેલા આ અતિભારે વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે.
અતિભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહના કારણે વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં સલામતીના ભાગરૂપે કુલ 6 જેટલા મુખ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને વાલિયા તાલુકામાં ભારે વરસાદને પગલે 6 મહત્વના માર્ગો ઉપર વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. વાલિયા-વાડી માર્ગ ઉપર આવેલો ડહેલી-રાજપરા ડાઈવર્ઝન ધોવાઈ જવાના કારણે આ માર્ગ પણ બંધ કરાયો છે.
આ ઉપરાંત દેસાડ-ભમાડિયા માર્ગ, પઠાર-ઝોકલા માર્ગ, પઠાર-ઝાંઝર ફળીયા માર્ગ, દોલતપુર-સેવડ માર્ગ, પેટીયા-કાવચિયા માર્ગ અને પાતલ-ભરાડીયા માર્ગ બંધ કરાયા છે. તંત્ર દ્વારા લોકોને આ માર્ગોનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાહત-બચાવ કામગીરી માટે ટીમોને એલર્ટ કરવામાં આવી છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
