<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પાલનપુર નજીક કાણોદર ગામમાં કરુણાંતિકા :એસીમાં ભીષણ આગ ભભૂકી :પેરાલિસિસ પીડિત યુવકનું મોત: મકાનનો સામાન બળી ગયો

મકાનમાં રહેતા પેરાલિસિસથી પીડાતા યુવકને આગમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી જેના કારણે તે જીવતો ભૂંજાઈ ગયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે હૃદયદ્રાવક આગની ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ACમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં પેરાલિસિસથી પીડાતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આગમાં મકાનનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

   મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આજે સવારના સમયે કાણોદર ગામના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે AC અથવા તેના સંબંધિત ઉપકરણમાંથી આગની શરૂઆત થઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતાં આખા મકાનને અગનગોળામાં ફેરવી દીધું હતું.

   મકાનમાં રહેતા પેરાલિસિસથી પીડાતા યુવકને આગમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે તે જીવતો ભૂંજાઈ ગયો હતો. જાણકારી અનુસાર, આગની તીવ્રતા એટલી વધારે હતી કે મકાનની અંદરનો તમામ ઘરવખરી અને અન્ય સામાન બળીને રાખ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ પાલનપુર પોલીસે હાથ ધરી છે.

(2:16 PM IST)