તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
સુરતના ભેસ્તાન વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર કરુણ દુર્ઘટના :પાણી ભરેલા લિફ્ટના ખાડામાં પડી જતાં બે બાળકોના કરૂણમોત
ત્રણ વર્ષના અલ્કેશ કટારા અને બે વર્ષની રીટા કટારાનાં મોત થયાં:પરિવાર મજૂરીકામમાં વ્યસ્ત હતો ત્યારે દુર્ઘટના બની :બંનેનાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન બાંધકામ સાઇટ પર રમતાં બે માસૂમ બાળકો પાણીથી ભરેલા લિફ્ટના ખાડામાં પડી જતાં મોતને ભેટ્યાં છે. મૃતક બાળકોમાં ત્રણ વર્ષનો અલ્કેશ કટારા અને બે વર્ષની રીટા કટારાનો સમાવેશ થાય છે. બંને બાળકોનાં અકાળે મોત થતાં શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભગવતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર 41થી 43માં બાંધકામ ચાલી રહ્યું છે. આ સાઇટ પર એક શ્રમજીવી પરિવાર મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારના સભ્યો રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે તેમના બે નાના બાળકો નજીકમાં રમી રહ્યાં હતાં.
સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ ત્રણ વર્ષનો અલ્કેશ અને બે વર્ષની રીટા રમતાં રમતાં બાંધકામ સાઇટ પર આવેલા લિફ્ટના ખાડા સુધી પહોંચી ગયાં હતાં. આ ખાડામાં પાણી ભરાયેલું હતું. બંને બાળકો તેમાં પડી જતાં ડૂબી ગયાં હતાં. પરિવારને શરૂઆતમાં આ દુર્ઘટનાની જાણ થઈ નહોતી.
થોડા સમય બાદ બંને બાળકો નજરે ન પડતાં માતા-પિતા ચિંતિત બન્યાં હતાં. પરિવારજનોએ બાંધકામ સાઇટ અને આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન લિફ્ટના પાણી ભરેલા ખાડામાં બંને બાળકો મળી આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં બંનેનાં કરુણ મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલ્કેશ કટારા અને રીટા કટારાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે દુર્ઘટનાના સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ દુર્ઘટના બાદ બાંધકામ સાઇટ પર સલામતીના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા કે કેમ તે સવાલ ઊભો થયો છે. પાણી ભરેલા લિફ્ટના ખાડાની આસપાસ સુરક્ષા અવરોધ હતા કે નહીં અને બાળકો ત્યાં કેવી રીતે પહોંચ્યાં તેની તપાસ જરૂરી બની છે. સાઇટના સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી હતી કે કેમ તે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે. આ ઘટના શ્રમિક પરિવારોનાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર ચેતવણી સમાન છે.
બે બાળકોનાં મોતથી પરિવારમાં દુઃખ સાથે ભારે રોષ પણ છે. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની બેદરકારીનો આક્ષેપ કરી આર્થિક વળતરની માંગ કરી છે. ન્યાય અને સહાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, માતા વાસણ સાફ કરતી હતી ત્યારે બાળકો રમતાં રમતાં સાતથી આઠ ફૂટ પાણી ભરેલા ખાડામાં પડ્યાં હતાં. ખાડા પર સુરક્ષાનાં પાટિયાં પણ નહોતાં. ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
