તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
પાવી જેતપુરમાં સુખી ડેમમાં નહાવા પડેલા કદવાલના યુવાનનું ડૂબી જતા કરૂણમોત
કદવાલના સિંગાપુરા ગામના અનિલ બારીયા નામના યુવકનું ડૂબી જવાથી મોત :પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમમાં ન્હાવા પડેલા એક આશાસ્પદ યુવકનું પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતક પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, કદવાલ વિસ્તારના સિંગાપુરા ગામનો રહેવાસી અનિલ બારીયા નામનો યુવક સુખી ડેમ પર ગયો હતો. ડેમની સુંદરતા વચ્ચે તે પાણીમાં ન્હાવા માટે પડ્યો હતો. પરંતુ પાણીના ઊંડા પ્રવાહનો અંદાજ ન આવવાને કારણે અથવા કોઈ અન્ય કારણોસર તે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. યુવકે બચવા માટે બૂમાબૂમ કરી હોવા છતાં, જોતજોતામાં તે પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં જ લોકોના ટોળેટોળાં ડેમ કિનારે ઉમટી પડ્યા હતા.
આ દુર્ઘટના અંગે સ્થાનિક પોલીસ પ્રશાસનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ યુવક અનિલ બારીયાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને તુરંત જ નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. પાવીજેતપુર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ રૂ કરી છે કે યુવક માત્ર ન્હાવા પડ્યો હતો કે અન્ય કોઈ કારણસર આ ઘટના ઘટી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
