<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

તત્કાલીન વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થી આઈએપીએસ અધિકારી અંકિતા મિશ્રાની સંવેદનશીલ પહેલ : વાપી પોક્સો કોર્ટે સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમ આરોપી રમેશ પ્રજાપતિને ૨૦ વર્ષની સખત કેદ ફટકારી

ગરીબ માઇગ્રન્ટ પરિવારની ૧૪ વર્ષની દીકરીનો જીવ બચાવવા ૨૬ અઠવાડિયાના ગર્ભના તબીબી સમાપન માટે ગુજરાત હાઇકોર્ટ સુધી મદદ કરનાર મહિલા પોલીસ અધિકારીની સરાહનીય કામગીરી : ડીએનએ રિપોર્ટના મજબૂત વૈજ્ઞાનિક પુરાવાથી ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલાયો

રાજકોટ:વલસાડ જિલ્લાના વાપીમાં આવેલી વિશેષ પોક્સો અદાલતે સગીર બાળકી પર જાતીય અત્યાચાર ગુજારવાના ગંભીર કેસમાં આરોપી રમેશ પ્રજાપતિને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદો માત્ર ન્યાયની જીત નથી, પરંતુ તત્કાલીન વલસાડ પોલીસ અધિક્ષક (એસપી) કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા વર્ષ ૨૦૨૨ ની બેચના તાલીમાર્થી આઈપીએસ (IPS) અધિકારી અંકિતા મિશ્રા માટે પણ એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યક્તિગત સિદ્ધિ સમાન છે. ફેબ્રુઆરીથી મે ૨૦૨૫ દરમિયાન જિલ્લા પ્રેક્ટિકલ તાલીમના ભાગરૂપે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા અંકિતા મિશ્રાએ કાયદાકીય કડક અમલવારીની સાથે ઊંડી માનવીય સંવેદના દાખવીને એક સગીર પીડિતાનો જીવ બચાવવામાં અને તેને ન્યાય અપાવવામાં કેન્દ્રવર્તી ભૂમિકા ભજવી હતી. હાલમાં તેઓ અમદાવાદ ગ્રામ્યના અસલાલી ખાતે સહાયક પોલીસ અધિક્ષક (ASP) તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

 

 શું હતો સમગ્ર બનાવ અને કઈ રીતે નોંધાઈ ફરિયાદ?

આ ચકચારી કેસ એપ્રિલ ૨૦૨૫ માં વાપી નજીક આવેલા ડુંગરા ગામમાં પ્રકાશમાં આવ્યો હતો. આરોપી રમેશ પ્રજાપતિએ સગીર બાળકી પર વારંવાર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. આ બંને પરિવારો ડુંગરા વિસ્તારમાં સ્થળાંતરિત મજૂરો તરીકે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તબીબી તપાસ દરમિયાન ૧૪ વર્ષની સગીર બાળકી છ મહિનાથી વધુ સમયનો ગર્ભ ધરાવતી હોવાનું બહાર આવતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ બાબતે પીડિતાની માતાએ ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો અધિનિયમ હેઠળ નરાધમ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

 કાનૂની અને તબીબી પડકારો વચ્ચે હાઇકોર્ટ સુધી માર્ગદર્શન:

તપાસ દરમિયાન તત્કાલીન તાલીમાર્થી પોલીસ અધિકારી અંકિતા મિશ્રાએ પીડિતા અને તેના ગરીબ પરિવારની નાજુક સ્થિતિને પારખી લીધી હતી. બાળકી ખૂબ જ ડરી ગયેલી હોવા છતાં તેની માતાની હાજરીમાં ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરીને પોલીસ ટીમે તેનો વિશ્વાસ જીત્યો હતો, જેના કારણે પીડિતાએ આરોપીની સ્પષ્ટ ઓળખ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ આત્મવિશ્વાસપૂર્વક નિવેદન આપ્યું હતું. વધુમાં, બાળકીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર તોળાતા ગંભીર જોખમને જોઈને કાયદાકીય સમજણથી અજાણ એવા ગરીબ પરિવારને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) ના વિકલ્પો વિશે સમજણ આપી હતી. પોલીસના યોગ્ય માર્ગદર્શન હેઠળ પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.

 

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જે.સી. દોશીએ વલસાડની GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ પાસે તાત્કાલિક અહેવાલ માંગ્યો હતો. મેડિકલ બોર્ડે જણાવ્યું કે ગર્ભ ચાલુ રાખવાથી ૧૪ વર્ષની બાળકીના જીવને મોટું જોખમ થઈ શકે છે. આ અહેવાલના આધારે હાઇકોર્ટે ૨૬ અઠવાડિયાના ગર્ભના તબીબી સમાપનને મંજૂરી આપી હતી અને સાથે જ DNA તપાસ માટે ગર્ભના ટિશ્યૂના નમૂનાઓ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો, જે પુરાવો પાછળથી બચાવ પક્ષ માટે ઘાતક સાબિત થયો હતો.

 

 વૈજ્ઞાનિક પુરાવા અને કોર્ટનો આકરો ચુકાદો:

પોલીસ દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં પીડિતાના સતત અને સુસંગત નિવેદનોની સાથે ફોરેન્સિક તપાસમાં ગર્ભમાંથી મેળવાયેલા ડીએનએ (DNA) નમૂનાઓ આરોપી રમેશ પ્રજાપતિના ડીએનએ સાથે સંપૂર્ણપણે મેચ થઈ ગયા હતા. ૧૬ જૂને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ૨૦૨૩ ની કલમ ૨૫૮(૨) હેઠળ ચુકાદો આપતાં વાપીની વિશેષ પોક્સો અદાલતે રમેશ પ્રજાપતિને પોક્સો અધિનિયમની કલમ 5(j-ii)(l) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, અને જો દંડ ન ભરે તો વધારાની એક વર્ષની કેદ ભોગવવાનો આદેશ કર્યો છે. પીડિતાના પુનર્વસન માટે કોર્ટે વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) ને પીડિતાના માતા-પિતાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

 

 ગુજરાતમાં પોક્સો એક્ટ હેઠળ ત્રણ વર્ષમાં ૧૧૬૪ દોષિતોને સજા:

રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કાયદાકીય પ્રક્રિયા કેટલી ઝડપી બની છે તેનો ચિતાર આ આંકડાઓ આપે છે. વર્ષ ૨૦૨૩ થી એપ્રિલ-૨૦૨૬ સુધીના સમયગાળામાં ગુજરાતમાં પોક્સો કાયદા હેઠળ કુલ ૧૧૬૪ આરોપીઓને જુદી જુદી અદાલતો દ્વારા સજા સંભળાવવામાં આવી છે. આ ૧૧૬૪ ચુકાદાઓ પૈકી ૭૫૦ જેટલા કેસોમાં દોષિતોને ૧૪ વર્ષથી વધુ સમયની એટલે કે આજીવન કેદની આકરી સજાઓ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીરતમ કિસ્સાઓમાં ૩૮ જેટલા નરાધમ દોષિતોને અદાલતો દ્વારા ફાંસીની સજાનો આદેશ કરવામાં આવ્યો છે.

(3:37 PM IST)