તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશન બહાર એસીબીના પીઆઈ એન બી સોલંકીની ટ્રેપ : લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા રંગેહાથ ઝડપાયા : એએસઆઈ કિશોરભાઈ ગાંવિત ફરાર
પ્રોહિબિશનના કેસમાં લોકઅપમાં ન પૂરવા અને હેરાન ન કરવાના અવેજ પેટે બાકી રહેતા ₹૫ હજાર સ્વીકારતા એસીબીએ દબોચ્યા : મદદનીશ નિયામક આર આર ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી એસીબીની સફળ કાર્યવાહી

ધરમપુર:વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશન હેઠળની પંગારબારી આઉટ પોસ્ટના બે લાંચિયા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાલઆંખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ધરમપુર પોલીસ સ્ટેશનની બહાર જાહેર રોડ ઉપર ગોઠવવામાં આવેલા એસીબીના સફળ છટકામાં પંગારબારી આઉટ પોસ્ટના આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ યશવંતભાઈ ભોયા (વર્ગ-૩) ફરિયાદી પાસેથી ₹૫,૦૦૦/- ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જ્યારે આ લાંચ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા આઉટ પોસ્ટના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) કિશોરભાઈ મનુભાઈ ગાંવિત (વર્ગ-૩) ને એસીબીની ટ્રેપ અંગે શંકા જતાં તેઓ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા છે.
લોકઅપમાં ન પૂરવા અને હેરાન ન કરવા માટે ₹૧૫ હજારની માગી હતી લાંચ
આ ભ્રષ્ટાચારના કેસની વિગત એવી છે કે, આ કામે જાગૃત ફરિયાદી પર અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન (દારૂબંધી) નો એક ગુનો દાખલ થયેલ હતો, જેમાં તેઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ગુનાના કામે જ્યારે ફરિયાદીની અટકાયત કરવામાં આવી હતી, તે સમયે તેઓને પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ નહિ કરવા અને કેસ બાબતે આગળ વધુ હેરાન ન કરવાના અવેજ પેટે એએસઆઈ કિશોરભાઈ ગાંવિતે શરૂઆતમાં ₹૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જો કે, ત્યારબાદ થયેલી રકઝકના અંતે ₹૮,૦૦0/- આપવાનું નક્કી થયું હતું. જે તે સમયે ફરિયાદીને જામીનમુક્ત કરતી વખતે તેમણે ₹૩,૦૦૦/- એએસઆઈ કિશોરભાઈને આપી દીધા હતા.
બાકીના ₹૫ હજાર લેવા એએસઆઈના કહેવાથી કોન્સ્ટેબલ આવ્યો અને ટ્રેપ થયો
લાંચના કરાર મુજબ બાકી રહેલા ₹૫,૦૦૦/- ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી, તેમણે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એન બી સોલંકી અને તેમની ટીમ દ્વારા ધરમપુર ખાતે લાંચના છટકાનું સચોટ આયોજન કરવામાં આવ્યું હતું. લાંચના છટકા દરમિયાન ફરિયાદીએ એએસઆઈ કિશોરભાઈ ગાંવિતનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. જેથી એએસઆઈ કિશોરભાઈના કહેવાથી કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયા પોલીસ સ્ટેશનની બહાર જાહેર રોડ ઉપર લાંચના નાણાં સ્વીકારવા આવ્યા હતા.
રંગેહાથ પકડાયેલા કોન્સ્ટેબલ પાસેથી લાંચની રકમ રિકવર, એએસઆઈની શોધખોળ શરૂ
કોન્સ્ટેબલ રમેશભાઈ ભોયાએ જેવા ફરિયાદી પાસેથી બાકીના ₹૫,૦૦૦/- સ્વીકાર્યા, તે સાથે જ વોચમાં ઉભેલી એસીબીની ટીમે ત્રાટકીને તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી હતી. બીજી તરફ, આ ટ્રેપની ગંધ આવી જતાં એએસઆઈ કિશોરભાઈ ગાંવિત સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ આખું ઓપરેશન સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના સીધા સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું છે. એસીબીએ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધીને ફરાર એએસઆઈ કિશોરભાઈ ગાંવિતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
