તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ડોક્ટરની સલાહથી વિદેશ પ્રવાસ રદ કર્યો તો ટ્રાવેલે કંપનીએ વસૂલ્યો ૫૩ હજાર કેન્સલેશન ચાર્જઃ ગ્રાહક કમિશને ૭૮ હજાર વ્યાજ સાથે પરત આપવા આદેશ કર્યો
ટ્રાવેલ કંપની ફરિયાદીના નામે એર ટિકિટ, ક્રૂઝ કે હોટેલ બુકિંગ દર્શાવતા કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકી નહીં

અમદાવાદ તા.૧૦: અમદાવાદના એક રહેવાસીએ તબિયત બગડતા ડોક્ટરની સલાહ મુજબ વિદેશ પ્રવાસ રદ કર્યા બાદ ટ્રાવેલ કંપનીએ રિફંડ આપવાના બદલે ભારે કેન્સલેશન ચાર્જની માગણી કરતા ગ્રાહક કમિશન સુધી પહોંચ્યો હતો. ગ્રાહક કમિશને બંને પક્ષની રજુઆતો સાંભળ્યા બાદ ટ્રાવેલ કંપનીને ૭૮,૦૦૦ રૂપિયા વાર્ષિક ૭ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.
૨૨ જૂનના રોજ આપવામાં આવેલા આદેશમાં અમદાવાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ફરિયાદીને ૭૮,૦૦૦ રૂપિયા પરત આપવા ઉપરાંત માનસિક ત્રાસ બદલ ૨,૦૦૦ રૂપિયાનું વળતર અને કેસના ખર્ચ તરીકે ૨,૦૦૦ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. કમિશને કંપનીને ૪૫ દિવસમાં વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.
આ ફરિયાદ વાસુદેવ દંડનાયક અને કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (CERS) દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, વાસુદેવ દંડનાયકે વિદેશ પ્રવાસનું બુકિગ કરાવ્યું હતું અને એડવાન્સ તરીકે ૨૫,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા. પ્રવાસ શરૂ થવાનો હતો તે પહેલાં તેમના પગમાં ઇજા થઈ હતી. ડોક્ટરે તેમને પ્રવાસ ન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી. ત્યારબાદ તેમણે કંપનીને ઈ-મેઈલ કરીને પ્રવાસ રદ કરવાની જાણ કરી અને રિફંડની માંગણી કરી હતી.
પરંતુ કંપનીએ રિફંડ આપવાના બદલે કુલ ૫૩,૦૦૦ રૂપિયા કેન્સલેશન ચાર્જ તરીકે ચૂકવવાની માંગણી કરી હતી. તેમાં એર ટિકિટ રદ કરવા બદલ ૭,૦૦૦ રૂપિયા અને સમગ્ર ટૂર પેકેજ રદ કરવા બદલ ૪૬,૫૦૦ રૂપિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સુનાવણી દરમિયાન કમિશને નોંધ્યું કે ટ્રાવેલ કંપની ફરિયાદીના નામે એર ટિકિટ બુક થઈ હતી, ક્રૂઝના રિઝર્વેશન કે હોટેલ બુકિગ દર્શાવતા કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકી નહોતી. એટલું જ નહીં, કંપની એરલાઇન, હોટેલ અથવા અન્ય કોઈ સર્વિસ પ્રોવાઇડરને કેન્સલેશન ચાર્જ ચૂકવ્યો હોવાનો પણ કોઈ પુરાવો આપી શકી નહોતી.
કમિશને જણાવ્યું કે આવા કોઈ પુરાવા વિના કંપની દ્વારા કેન્સલેશન ચાર્જ માગવો યોગ્ય ગણાવી શકાય નહીં. કમિશને પોતાના આદેશમાં જણાવ્યું કે કંપનીનું આ વર્તન સેવામાં ખામી સમાન છે. ઉપરાંત કમિશને ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલ મેડિકલ સર્ટિફિકેટને પણ માન્ય રાખ્યું અને સ્વીકાર્યું કે તેઓ તબીબી રીતે પ્રવાસ કરવાની સ્થિતિમાં નહોતા.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
