હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પોલીસ સ્મૃતિ દિવસે વીર શહીદોને શ્રદ્ધાંજલિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત
શહીદ પોલીસકર્મીઓનું બલિદાન એ રાષ્ટ્રની સુરક્ષાનો પાયો - રાજ્યપાલ: RRU ખાતે શહીદ સ્મારક દીવાલ, ડિજિટલ ડેશબોર્ડ અને ફાયરિંગ સિમ્યુલેટર લેબનું ઉદ્ઘાટન

ગાંધીનગર, તા. 21 : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર અમર શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં પોલીસ સ્મૃતિ દિવસની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા પોતાના જીવનની પરવા કર્યા વિના બલિદાન આપનારા શહીદો પ્રત્યે સમગ્ર રાષ્ટ્ર સદાય ઋણી રહેશે. શહીદ પોલીસકર્મીઓ અને સુરક્ષાબળોનું બલિદાન એ રાષ્ટ્રની અખંડિતતા અને સુરક્ષાનો પાયો છે. જે માતા-પિતાએ સંતાનોને રાષ્ટ્રસેવામાં સમર્પિત કર્યા તેવા પરિવારજનોને તેમણે નમન કર્યા હતા.
RRU ખાતે ત્રણ પ્રોજેક્ટનું લોકાર્પણ:
આ પ્રસંગે યુનિવર્સિટી કેમ્પસ ખાતે શહીદોની સ્મૃતિને જીવંત રાખવા શહીદ સ્મારક દીવાલનું, ગુજરાત પોલીસના શહીદો માટે વિશેષ ડિજિટલ ડેશબોર્ડનું અને ફાયરિંગ સિમ્યુલેટર લેબનું રાજ્યપાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે દિલ્હી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારકનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આવા સ્મારકો યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની પ્રેરણા આપે છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, GNLU અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી અનોખી સંસ્થાઓ સ્થાપવાની પહેલ કરી હતી, જે 2047 સુધીમાં વિકસિત ભારતના મિશનમાં પાયાની ઈંટો સાબિત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત અહિંસા, શાંતિ અને ભાઈચારામાં માનતો દેશ છે, પરંતુ શાંતિના રક્ષણ માટે બળવાન અને સક્ષમ હોવું જરૂરી છે. કાયરતાથી શાંતિ જળવાતી નથી. યુવા પેઢીને 'માતા ભૂમિઃ પુત્રો અહં પૃથિવ્યાઃ' ના ભાવ સાથે માતૃભૂમિની સેવા માટે તત્પર રહેવા આહ્વાન કર્યું હતું.
આ સાથે રાજ્યપાલના હસ્તે ફિઝિકલ એડવેન્ચર વોલનું પણ ઉદ્ઘાટન કરાયું હતું અને જેલ સહાયક તરીકે પરીક્ષા ઉત્તીર્ણ થયેલા જવાનોને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.
કુલપતિ વિમલ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખી પોલીસ દળોને AI અને ડિજિટલ પુરાવાઓથી સજ્જ થવા પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રો-વાઈસ ચાન્સલર પ્રો. કલ્પેશ વાંડરા, ડીન ડૉ. જસબીર કૌર ઠડાની, રજીસ્ટ્રાર ધર્મેશ પ્રજાપતિ સહિત પ્રાધ્યાપકો, અધિકારીઓ, તાલીમાર્થીઓ અને શહીદોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
