<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં બનેલી બે ગમખ્વાર દુર્ઘટનાઓમાં અકાળે અવસાન પામેલા શ્રમિકોને પૂ. મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી કુલ ૨,૧૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય જાહેર

ઝુંઝુનુંમાં સિમેન્ટ મિક્સર વીજ લાઈનને અડી જતાં ૮ મજૂરોનાં કરુણ મોત અને કુશિનગરમાં વાન-ટ્રક અકસ્માતમાં ૬ લોકોનાં નિધન પર પૂ. બાપુએ વ્યક્ત કરી ઘેરા શોકની લાગણી : મુંબઈના શ્રોતા મારફત મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે સહાય

તલગાજરડા: દેશના અલગ-અલગ રાજ્યોમાં બનેલી બે અત્યંત દુઃખદ અને ગમખ્વાર દુર્ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકોના અકાળે અવસાન થવા પામ્યા છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઘટેલી આ કરુણાંતિકાઓને લઈને પૂ. મોરારિબાપુ દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે અને મૃતકોના પરિવારજનોને હૂંફ આપવા માટે લાખો રૂપિયાની નાણાકીય સહાયતા રાશિ અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજસ્થાનના ઝુંઝુનુંમાં વીજ કરંટ લાગવાથી ૮ મજૂરોનાં મોત:
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાનમાં ઝુંઝુનું ખાતે મજૂરો સાથે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ઉદયપુરવાટીનાં છાપોલી ગામમાં રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ સિમેન્ટ મિક્સર હાઈ ટેન્શન વીજ લાઈનને અડી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં જોતજોતામાં ૮ મજૂરોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૬ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પૂ. મોરારિબાપુએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેક મૃતકદીઠ રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે.

ઉત્તરપ્રદેશના કુશિનગરમાં વાન અને ટ્રક વચ્ચેનો અકસ્માત બન્યો ઘાતક:
આ ઉપરાંત અકસ્માતની બીજી એક કરુણ ઘટના ઉત્તરપ્રદેશના કુશિનગર વિસ્તારમાં ઘટી હતી. અહીં એક મુસાફરો ભરેલી વાન અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ૬ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટના અંગે પણ પૂ. બાપુએ ઊંડી વેદના વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ હ્રદયદ્રાવક ઘટનાના પીડિત પરિવારજનોને પણ પ્રત્યેક વ્યક્તિદીઠ રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે સહાયતા રાશિ:
બેકાબૂ સંજોગો અને અકસ્માતોમાં સર્જાયેલી આ હોનારતો બાદ પૂ. મોરારિબાપુ દ્વારા જાહેર કરવામાં આવેલી સમગ્ર સહાયતા રાશિ મુંબઈ સ્થિત શ્રોતાના માધ્યમથી મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂ. બાપુએ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દિવંગત આત્માઓને પરમાત્મા ચિર શાંતિ અર્પણ કરે અને શોકગ્રસ્ત પરિવારોને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે. તલગાજરડાથી જયદેવ માંકડ દ્વારા આ સમગ્ર શ્રદ્ધાંજલિ અને સહાય અંગેની વિગતો પ્રેસ નોટના માધ્યમથી જાહેર કરવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(5:05 PM IST)