તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
માંગલધામ ભગુડામાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ : 30માં પરમ્ ઉત્સવમાં પૂ. મોરારીબાપુએ માતાજીના સ્વરૂપની પાંચ ધારા સમજાવી યુવા શક્તિને ભક્તિ અને વિરક્તિનો સંદેશ આપ્યો
ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માંગલ શક્તિ સન્માન સમારોહમાં સાહિત્યકારો, સંતો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિશિષ્ટ પ્રતિભાઓ અને શક્તિધામોનું ગૌરવવંતુ સન્માન કરાયું

ભગુડા: ગોહિલવાડના પવિત્ર શક્તિસ્થાન માંગલધામ ભગુડા ખાતે ભવ્ય અને દિવ્ય 30માં પરમ્ ઉત્સવ તેમજ માંગલ શક્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંગલમય પ્રસંગે પૂ. મોરારીબાપુએ વિશેષ ઉપસ્થિત રહી માતાજીના સ્વરૂપનું ગહન ચિંતન રજૂ કરતા જણાવ્યું હતું કે, માતાજીનું સ્વરૂપ પાંચ ધારાનું બનેલું છે, જેમાં દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા વહે છે. પૂ. મોરારીબાપુએ અરવિંદ અને શ્રી માતાજીના સંદર્ભ સાથે યુવાનોમાં શ્રદ્ધા, શક્તિ, સન્મતિ, ભક્તિ અને વિરક્તિના ગુણો હોવા જોઈએ તેના પર ભાર મૂક્યો હતો. તેમણે ભગુડા ધામમાં અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધાના અનોખા પરિચય અને સ્પર્ધા વગરના સંવાદના વાતાવરણ પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો.
વિશિષ્ટ પ્રતિભાઓ અને શક્તિપીઠોનું સન્માન:
જાણીતા ઉદ્ઘોષક મહેશ ગઢવીના સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સાહિત્ય અને સમાજ સેવા ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મેકરણ લીલા, દુલેરાય કારાણી, ભુદર જોષી, પાલરૂભા ગઢવી, ઘનશ્યામ કવિ અને પ્રભુદાન સુરૂને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત મહેશ જીવાણી, ગોવિંદ ધોળકિયા અને દેવન્દ્ર દવેને વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું સુવર્ણ પાઘ પહેરાવી અભિવાદન કરાયું હતું, જ્યારે કિર્તીદાન ગઢવીને પણ વિશેષ સન્માન ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ વર્ષે પ્રમુખ શક્તિધામો જેવા કે મોગલધામ ભીમરાણા, ઉમિયાધામ ઊંઝા, ખોડિયાર મંદિર કાગવડ, અંબાજીધામ અંબાજી અને બુટભવાની ધામ અરણેજ માટે વિશેષ સન્માન વંદના કરવામાં આવી હતી.
સંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ધર્મોત્સવમાં સનાતન ધર્મના મૂર્ધન્ય સંતો શેરનાથબાપુ, ભક્તિરામબાપુ, બાલકનાથબાપુ, લહેરગિરિબાપુ, ધનસુખનાથબાપુ અને રણજીતઆતા સહિત ગિરીશ આપા, દેવલ મા, દક્ષા મા, ખમુમાઈ, કંચન મા, રૂપલ મા તેમજ કથાકાર જીગ્નેશદાદા, આશિષ વ્યાસ અને રાજુ જોષીનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. રાજકીય અગ્રણીઓમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, અર્જુન મોઢવડિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક વેકરિયા, ભરત સુતરિયા, શિવાભાઈ ગોહિલ, અમરીશ ડેર, દિગ્વિજયસિંહ ગોહિલ, ધવલ દવે, ભરત ડાંગર, હિરાભાઈ ભરવાડ, ભોળાભાઈ રબારી, ડાયાભાઈ ભરવાડ અને બાબુભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
સાંસ્કૃતિક અને ભક્તિમય કાર્યક્રમો:
માં માંગલના સાનિધ્યમાં આદિવાસી લોકનૃત્યની કલા પ્રસ્તુત કરવામાં આવી હતી. જયદેવ કુંચાલાના સંચાલનમાં યોજાયેલા ભક્તિગાન કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, પુરુષોત્તમપુરી, સુરેશ રાવળ અને દીપકબાપુ હરિયાણી સહિતના નામાંકિત ભજનિકોએ રાત્રિના સમયે ભક્તિની રમઝટ બોલાવી હતી, જેનો વિરાટ સંખ્યામાં ભાવિક ભક્તોએ આસ્થાભેર લાભ લીધો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
