News of Sunday, 11th October 2026
સિવિલના રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં વળાંક: રેગિંગ અને ત્રાસ આપનાર બે મહિલા ડોક્ટરની ધરપકડ
‘અમે બોસ ને તું સ્લેવ’ કહી માનસિક અત્યાચાર ગુજારનારા સિનિયરો સામે કાર્યવાહી બાદ અન્ય બે ફરાર આરોપીઓની શોધોખળ

સુરત : નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉ. હર્ષ પંડ્યાના ચકચારી આત્મહત્યા કેસમાં ખટોદરા પોલીસે મોટો ધડાકો કરીને બે મહિલા ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે ભાવનગરની ૨૫ વર્ષીય દીક્ષિતા ઘેવરીયા અને રાજુલાની ૨૭ વર્ષીય હિના ભૂતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી કેસમાં પોલીસે કુલ ચાર સિનિયર ડોક્ટરો સામે ગુનો નોંધ્યો છે, જેમાં ત્રણ મહિલા ડોક્ટરોનો સમાવેશ થાય છે અને હાલમાં ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે.
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ ગઠિત ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ અને અમાનુષી માનસિક ત્રાસ આપવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો હતો. આ અહેવાલના આધારે મૃતકના પિતાએ ૧૫ ઓગસ્ટના રોજ ચાર સિનિયર ડોક્ટરો સામે એટ્રોસિટી અને આપઘાતની દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, ચારેય સિનિયર ડોક્ટરો હર્ષને સતત ગાળો આપીને અપમાનિત કરતા હતા અને કલાકો સુધી માનસિક યાતના આપતા હતા. સિનિયરો ‘અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ અને નોકર છો’ કહીને હર્ષનું શોષણ કરતા હોવાનો આક્ષેપ પણ તપાસમાં સાબિત થયો છે. સતત ટોર્ચરિંગ અને અસહ્ય માનસિક દબાણને કારણે ગંભીર માનસિક તણાવમાં આવી ગયેલા યુવાન ડોક્ટરે આખરે આત્યંતિક પગલું ભરી લીધું હતું.
પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપી મહિલા ડોક્ટરોની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે. હાલમાં ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. હોસ્ટેલ તેમજ હોસ્પિટલના અન્ય તબીબોના નિવેદનો અને ટેકનિકલ પુરાવા એકત્ર કરી પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
