તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
હિંમતનગર અને પ્રાંતિજમાં બે કલાકના ભારે વરસાદ: હાથમતી નદીના બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત
આવતીકાલે જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં સત્તાવાર રજા જાહેર :તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી ટીમોને એલર્ટ રાખીને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. હિંમતનગર અને પ્રાંતિજ વિસ્તારમાં માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં સાંબેલાધાર વરસાદ તૂટી પડતાં સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. હિંમતનગર-મહેસાણા બાયપાસ બ્રિજ ઉપર પાણી ભરાઈ જતાં ત્યાંથી પસાર થતાં દ્વિચક્રીય અને ચારચક્રીય વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
સૌથી ગંભીર સ્થિતિ હાથમતી નદી પર આવેલા બ્રિજ પર જોવા મળી હતી. બ્રિજ પરથી નદીના પૂરના પાણી વહેવા લાગતાં એવો ઘાટ સર્જાયો હતો જાણે રોડ પર જ નદી વહેતી હોય! ઉલ્લેખનીય છે કે પખવાડિયા અગાઉ પણ આ જ બ્રિજ પર આવી વિકટ સમસ્યા સર્જાઈ હતી. પંદર દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં પ્રી-મોન્સૂન કામગીરીના નામે શૂન્ય પરિણામ સાબિત થયું છે અને પાલિકા તથા માર્ગ-મકાન વિભાગ સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
હવામાન વિભાગની અતિભારે વરસાદની ચેતવણી અને રસ્તાઓ પર ભરાયેલા પાણીની સ્થિતિને ધ્યાને રાખીને સાબરકાંઠા જિલ્લા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી ટીમોને એલર્ટ રાખીને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.]
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
