<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

તાપીના વાલોડમાં ડોડકિયા ફળિયામાં ખેતરની પાળ તોડતા બે મજૂરોના નાળાના ધસમસતા પાણીમાં તણાઈ જતા મોત

પાળ તોડવા જતી વખતે બંને મજૂરો સંતુલન ગુમાવી દેતા ધસમસતા પાણીમાં ખેંચાઈ ગયા: પાણીનો વેગ એટલો વધુ હતો કે તેઓ પોતાનો જીવ બચાવી શક્યા નહી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બે મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ખેતીની કામગીરી દરમિયાન આ મજૂરો ખેતરની પાળ તોડવા માટે ગયા હતા, પરંતુ તે સમયે નાળામાં વહેતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા તેઓ અકસ્માતે તેમાં પડી ગયા હતા.

 

વરસાદી માહોલ હોવાથી માયનોર નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. પાળ તોડવા જતી વખતે બંને મજૂરો સંતુલન ગુમાવી દેતા ધસમસતા પાણીમાં ખેંચાઈ ગયા હતા. પાણીનો વેગ એટલો વધુ હતો કે તેઓ પોતાનો જીવ બચાવી શક્યા નહીં અને પાણીમાં તણાઈ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વહીવટી તંત્રને કરી હતી.

 

 

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને વહીવટી તંત્રની ટીમ દોડી આવી હતી. ખૂબ જ ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન બાદ બંને મજૂરોના મૃતદેહને નાળામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ કરુણ ઘટનાને પગલે આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક મજૂરોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

 

આ દુર્ઘટનાએ ફરી એકવાર ચોમાસા દરમિયાન ખેતીલાયક વિસ્તારમાં અને નદી-નાળા નજીક કામ કરતી વખતે રાખવાની સાવચેતી અંગે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ખેતરની પાળ તોડતી વખતે પાણીનો અંદાજ ન આવતા આ દુર્ઘટના બની હોઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ દુર્ઘટના બાદ ગામના અગ્રણીઓએ પણ ખેડૂતો અને મજૂરોને સાવચેત રહેવા અપીલ કરી છે.

ં

(7:52 PM IST)