તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સુરતની લાજપોર જેલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વધુ બે જેલરોની બદલી
કેદીઓને વીઆઇપી સુવિધા, મોબાઇલ અને પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો મામલો ગરમાયો : અગાઉ આઠ કર્મચારીઓ સસ્પેન્ડ, ચાર કેદીઓને અન્ય જેલમાં ખસેડાયા

સુરત : સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓને વિશેષ સુવિધાઓ પૂરી પાડવા, મોબાઇલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અને લાંચ-ઉઘરાણાના ગંભીર આક્ષેપો વચ્ચે જેલ વિભાગે વધુ બે જેલરોની બદલી કરી છે. આ કાર્યવાહીથી જેલની આંતરિક સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા ફરી ચર્ચામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેલર શ્રી હર્ષદ કે. સોલંકીની કચ્છની ગળપાદર જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે જેલર નિલેશ એલ. છાપીયાને રાજપીપળા જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા છે.
અગાઉ રાજ્યના જેલ વિભાગના ડીજીપીના આદેશથી લાજપોર જેલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેદીઓની બેરેકમાંથી મોબાઇલ ફોન, ચાર્જર, બેટરી સહિતની પ્રતિબંધિત સામગ્રી મળી આવી હોવાના અહેવાલ છે. જેલમાં પાનમસાલા અને ગુટકાનો વપરાશ તથા કેટલાક કેદીઓને વીઆઇપી સુવિધાઓ આપવા બદલ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા.
આશરે બે મહિના અગાઉ થયેલી તપાસના પગલે આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે સમયે એક જેલરની બદલી કરાઈ હતી અને ચાર કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
હવે વધુ બે જેલરોની બદલી થતાં જેલની દેખરેખ રાખતા ઉપરી અધિકારીઓની જવાબદારી અંગે પણ સવાલો ઊભા થયા છે. જોકે, બદલી કરાયેલા બંને જેલરો સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ મળી નથી.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
