તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
વડોદરાના સાવલી પંથકમાં બે દિવસમાં પાણીમાં ડૂબી જવાથી બે અલગ-અલગ ઘટના: બે લોકોના મોત :પંથકમાં શોકની લાગણી
ઝવેરીપુરા ગામના તળાવમાં એક પ્રૌઢ અને પોઈચા બ્રિજ પાસે નદીમાં ઝંપલાવનાર યુવક એમ કુલ બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં છેલ્લા 48 કલાક દરમિયાન પાણીમાં ડૂબી જવાથી મોત થયાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઝવેરીપુરા ગામના તળાવમાં એક પ્રૌઢ અને પોઈચા બ્રિજ પાસે નદીમાં ઝંપલાવનાર યુવક એમ કુલ બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા છે.
પ્રથમ ઘટના સાવલીના ઝવેરીપુરા ગામની છે. ગામમાં રહેતા 40 વર્ષીય ગોપાલભાઈ ભૂપતભાઈ રાઠોડ ગત મોડી રાત્રે ગામના તળાવ કિનારે માછલી પકડવા માટે ગયા હતા. માછીમારી દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
મોડી રાત સુધી ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું, પરંતુ અંધારું હોવાને કારણે કામગીરીમાં અવરોધ આવતા સર્ચ ઓપરેશન મોકૂફ રાખવું પડ્યું. આજે વહેલી સવારે ફરી શોધખોળ શરૂ કરતા સ્થાનિકોની મદદથી ગોપાલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.
બીજી ઘટના સાવલી-ડાકોર રોડ પર આવેલા પ્રસિદ્ધ પોઈચા બ્રિજ પર બની હતી. ગતરોજ એક અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર બ્રિજ પરથી મહીસાગર નદીમાં છલાંગ લગાવી હતી. ઘટનાને પગલે વડોદરા ફાયર વિભાગની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભારે પ્રવાહ વચ્ચે બે કલાકની સઘન શોધખોળ બાદ ફાયરના જવાનોએ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
માત્ર બે જ દિવસમાં બનેલી આ બે કરુણ ઘટનાએ સાવલી તાલુકાને હચમચાવી દીધું છે. ખાસ કરીને ઝવેરીપુરાના શ્રમજીવી પરિવારના મોભીનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે બંને કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ તેજ કરી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
