<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

સુરતના ડુમસ દરિયાકિનારે ગણેશ બીચ પર ન્હાવા ગયેલા બે યુવાનો અચાનક દરિયામાં ડૂબયાં :સઘન શોધખોળ શરૂ

ફાયર વિભાગના જવાનો અને રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી:બંને યુવાનોની શોધ માટે લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન

સુરતના ડુમસ દરિયા કિનારે રવિવારે બપોરે ચિંતાજનક ઘટના બની છે. ગણેશ બીચ ખાતે ન્હાવા પડેલા બે યુવાનો દરિયામાં ગરકાવ થયાની માહિતી સામે આવી છે. બંને યુવાનોની ઉંમર આશરે 18થી 20 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, બંને યુવાનો પોણા ચાર વાગ્યાની આસપાસ ડુમસના ગણેશ બીચ પર દરિયામાં ન્હાવા માટે ગયા હતા. ન્હાતી વખતે બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં પણ ચકચાર મચી હતી.

 

 

બંને યુવાનો દરિયામાં ગરકાવ થયાની માહિતી મળતાં જ સુરત ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો અને રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ શરૂ કરી હતી. દરિયામાં બંને યુવાનોની શોધ માટે લાંબા સમય સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે દોઢથી બે કલાક સુધી સતત શોધખોળ કરવા છતાં બંને યુવાનોની કોઈ ભાળ મળી ન હોવાનું જાણવા મળ્યું છે.

 

 

દરિયાની સ્થિતિ અને પાણીની ઊંડાઈને કારણે રેસ્ક્યૂ ટીમ માટે શોધખોળ પડકારજનક બની રહી છે. ફાયર વિભાગ દ્વારા દરિયામાં શક્ય તમામ સ્થળોએ બંને યુવાનોની શોધ કરવામાં આવી રહી છે.

હાલ બંને યુવાનોની ઓળખ અને તેઓ ક્યાંના રહેવાસી છે તે અંગેની વધુ વિગતો સામે આવી નથી. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન આગળ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.ડુમસ બીચ પર અગાઉ પણ દરિયામાં ન્હાવા દરમિયાન ડૂબી જવાની ઘટનાઓ સામે આવી છે. દરિયાકાંઠે ન્હાવા જતાં લોકોએ પાણીની ઊંડાઈ અને દરિયાની સ્થિતિ અંગે ખાસ સાવચેતી રાખવી જરૂરી બને છે.

(8:34 PM IST)