<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કપડવંજની ફતિયાવાદ-અત્રોલી કેનાલ નજીકથી બિનવારસી બાઈક મળતાં ચકચાર: બે વ્યક્તિઓ કેનાલમાં ડૂબ્યાની આશંકા, તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ

ખેડા જિલ્લામાં કેનાલ અકસ્માતની ઘટના યથાવત, આંતરસુંબા પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે; લોકોના ટોળા ઉમટ્યા

ખેડા તા.૩૧ : ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં વધુ એક કેનાલ દુર્ઘટનાની આશંકાએ ચકચાર મચાવી છે. કપડવંજના ફતિયાવાદ-અત્રોલી કેનાલ નજીકથી બિનવારસી બાઈક મળી આવતા બે વ્યક્તિઓ કેનાલમાં ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

સ્થાનિક લોકોને કેનાલ કાંઠે લાવારિસ હાલતમાં બાઈક પડેલી જોવા મળતા તેમણે તાત્કાલિક આંતરસુંબા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં બાઈક પરથી બે લોકો કેનાલમાં પડ્યા હોવાની કે અકસ્માત થયાની શક્યતા સામે આવી છે. 

 

ઘટનાની જાણ થતા કપડવંજ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલના પાણીમાં શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. કેનાલમાં પાણીનો પ્રવાહ તેજ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી છે.

 

નોંધનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ કેનાલમાં છલાંગ લગાવવાની ઘટનાઓ બની છે. હાલ પોલીસે બાઈકના નંબરના આધારે માલિકની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને સત્ય હકીકત બહાર આવે તે માટે તપાસ તેજ કરી છે.

(4:21 PM IST)