તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
મોડાસાના ગાજણ ગામ પાસે ગઢોલા તળાવમાં ન્હાવા પડેલા મામા-ફોઈના ભાઈના ડૂબી જવાથી કરૂણમોત
સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢ્યા: એક સગીર અને એક યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ

અરવલ્લી જિલ્લાના મોડાસાના ગાજણ ગામ પાસે આવેલા ગઢોલા તળાવમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર ગાજણ ગામ સહિત પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક બંને યુવકો સગા મામા-ફોઈના ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણ ઘટના ગઈકાલે બની હતી. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ સગીર અને યુવક ગામના ગઢોલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. પાણીના ઊંડાણમાં ઉતરી જવાથી બંને યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ બચાવવા માટે બૂમો પાડી હતી, પરંતુ પાણી ઊંડું હોવાને કારણે બંને કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવ કાંઠે એકઠા થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મોડાસા રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોડાસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પરિવારના બે આધારસ્તંભ સમાન યુવાનોના અચાનક મોતથી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રજાના દિવસે આનંદ કરવા ગયેલા બંને ભાઈઓના સમાચાર સાંભળીને પરિવાર પર આભ ફાટ્યું છે. મોડાસા રૂરલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
