<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજીની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે પ્રદેશ મહિલા મોરચાની બૃહદ્ પ્રદેશ બેઠક યોજાઇ

મહિલા મોરચા સંગઠનની આગામી કાર્યયોજના અંગે માર્ગદર્શન આપતા પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજીની વિશેષ ઉપસ્થિતિમાં  અંબાજી ખાતે પ્રદેશ મહિલા મોરચાની બૃહદ્ પ્રદેશ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયા, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મહિલા મંત્રીઓ, મહિલા ધારાસભ્યો, મહિલા મોરચાના પદાધિકારીઓ અને અપેક્ષિત કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આરાધનાના મહાપર્વ નવરાત્રિના પાંચમાં નોરતે અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતાજી મંદિર તેમજ ગબ્બર ખાતે માં અંબાના મંદિરે દર્શન કરી સૌની સુખાકારી અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની મહિલાશક્તિને વિકાસના કેન્દ્રમાં રાખીને મહિલા સશક્તિકરણ માટે પરિણામલક્ષી કાર્ય કરવામાં આવ્યું છે. મહિલાઓને માત્ર યોજનાઓના લાભાર્થી નહીં, પરંતુ રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર ભાગીદાર બનાવવાની દિશામાં ભાજપા સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. નારીશક્તિ વંદન અધિનિયમ, મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ, સ્વસહાય જૂથો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો તેમજ શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને રોજગારીની તકો દ્વારા મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ભાજપા મહિલા મોરચાની બહેનોએ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાની બહેનો સુધી પહોંચાડવા અને નારી સશક્તિકરણના આ સંકલ્પને જનજન સુધી લઈ જવા માટે સક્રિય ભૂમિકા નિભાવવી જોઈએ.
 વિશ્વકર્માએ દરેક બૂથ પર મહિલા કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા, નવા કાર્યકર્તાઓને જોડવા, સરકારની યોજનાઓ અને પક્ષની વિચારધારાનો વ્યાપ વધારવા તેમજ વિવિધ સમાજ અને વર્ગની બહેનો સાથે સતત સંવાદ અને સંપર્ક જાળવવા બેઠકમાં હાકલ કરી હતી. સંગઠનના વિવિધ કાર્યક્રમને જનભાગીદારીનું માધ્યમ બનાવીને મહિલા મોરચાને પક્ષની વિચારધારાને જનજન સુધી પહોંચાડવા તેઓએ આહ્વાન કર્યું હતું.
પ્રદેશ ભાજપા સહ પ્રભારી  ગોમતી સાઈજીએ તેઓના સંબોધનમાં મજબૂત જનસંપર્ક, સતત સંવાદ અને સમર્પિત કાર્યશૈલીના માધ્યમથી મહિલા મોરચાએ સંગઠનને વધુ વ્યાપક, સક્રિય અને જનઆધારયુક્ત બનાવવાની દિશામાં કાર્ય કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે મહિલાઓમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ કેળવવા, યુવા બહેનોને સંગઠન સાથે જોડવા અને મહિલાઓને રાષ્ટ્રનિર્માણનાં કાર્યોમાં અગ્રેસર બનવા પ્રેરિત કરવા અપીલ કરી હતી. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયાએ પણ આ પ્રસંગે સંબોધન કરી મહિલા મોરચા સંગઠનની આગામી કાર્યયોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

(6:55 PM IST)