News of Thursday, 30th July 2026
સુરત ખાતે વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ભાવનગર મેડિકલ કોલેજ અને સર.ટી હોસ્પિટલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
સર ટી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે નિર્માણ પામનારા નવા બિલ્ડિંગનું કામ ઝડપથી અને ગુણવત્તાસભર પૂરું કરવા દિશાનિર્દેશ: દર્દીઓ અને સ્વજનો સાથે મૃદુ અને નમ્ર વ્યવહાર -ટંગ મેનેજમેન્ટ જાળવવા તમામ સ્ટાફને સ્પષ્ટ સૂચના: હોસ્પિટલ પરિસરમાં ચોકસાઈપૂર્ણ સ્વચ્છતા અને કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રીની હાકલ

સુરત ખાતે વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલ, ભાવનગરની કામગીરી તથા નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ (PIU) અને ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ નવા નિર્માણ પ્રોજેક્ટ્સ અને માળખાકીય સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પીઆઈયુ (PIU) વિભાગ દ્વારા ભાવનગરના નારી ચોકડી ખાતે આકાર લઈ રહેલા નવા એકેડેમિક બ્લોક, ટીચિંગ હોસ્પિટલ, ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ તેમજ પીજી હોસ્ટેલ અંગેનું વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ મંત્રીશ્રીએ બાંધકામ અને સુવિધાઓ સંદર્ભે મહત્વપૂર્ણ સૂચનાઓ આપતાં જણાવ્યું હતું કે, ચોમાસા કે ભારે વરસાદ દરમિયાન હોસ્પિટલમાં પાણી ભરાવવાની સમસ્યા ન સર્જાય તે માટે બિલ્ડિંગનું પ્લાનિંગ હાલના રોડ લેવલથી પૂરતી ઊંચાઈ પર (માટી પુરાણ કરીને) કરવાનો નિર્દેશ આપ્યો હતો. હોસ્પિટલ બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત એસ.એસ. (સ્ટેનલેસ સ્ટીલ) ગ્રીલ તેમજ અન્ય કન્સ્ટ્રક્શન મટીરિયલ વાપરવા માટે કડક તાકીદ કરી હતી. આ ઉપરાંત સર ટી. હોસ્પિટલના જૂના અને જર્જરિત બિલ્ડિંગોની સ્થિતિ ધ્યાને લઈ, નવા બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન, ફર્નિચર અને અન્ય તમામ સુવિધાઓ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી.
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે હોસ્પિટલના તમામ વોર્ડ, પીએમ રૂમ (પોસ્ટમોર્ટમ રૂમ) અને સમગ્ર પરિસરમાંથી જૂનો ભંગાર, બિનઉપયોગી વાહનો તેમજ કચરાનો સત્વરે નિકાલ કરીને હોસ્પિટલને સંપૂર્ણપણે સ્વચ્છ અને દુર્ગંધમુક્ત (વાસમુક્ત) રાખવા આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત, હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવાના ભાગરૂપે સિક્યોરિટી એજન્સીઓની કામગીરીની નિયમિત ચકાસણી કરવા અને પરિસરમાં માત્ર સક્ષમ સિક્યોરિટી સ્ટાફ જ તૈનાત રહે તે સુનિશ્ચિત કરવાની ખાસ જવાબદારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ, પટ્ટાવાળા અને નર્સિંગ સ્ટાફથી લઈને સિનિયર ડોક્ટર્સ સુધીના તમામ કર્મચારીઓ દર્દીઓ તેમજ તેમના સગાંઓ સાથે નમ્ર અને સંવેદનશીલતાસભર વર્તન (ટંગ મેનેજમેન્ટ) કરે તે માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત, મેડિકલ કોલેજ અને હોસ્ટેલ કેમ્પસમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવવા અને કેમ્પસમાં શિસ્ત જાળવી રાખવા માટે કોલેજના ડીનને કડક આદેશ મંત્રી દ્વારા અપાયા હતા.
ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં કાર્યરત ઓર્થોપેડિક સહિતના વિવિધ વિભાગોમાં દર્દીઓને ઓપરેશન કે ઇમ્પ્લાન્ટ્સ માટે લાંબો સમય રાહ ન જોવી પડે અને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી તેમજ ઇમ્પ્લાન્ટ્સની ઉપલબ્ધતા સુચારુ બનાવવાની સૂચના તબીબી અધિક્ષકને આપવામાં આવી હતી.
સમીક્ષા બેઠકના અંતે મંત્રીએ ભાવનગરની જનતાને ઉત્કૃષ્ટ, ગુણવત્તાસભર અને ઝડપી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તમામ વિભાગોને પરસ્પર યોગ્ય સંકલન સાધીને કામ કરવા આહ્વાન કર્યું હતું
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
