<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગાંધીનગરના કુડાસણ ખાતે નિર્માણાધીન સાઇટ પર સ્લેબ ધરાશાયી :13 લોકો સારવાર હેઠળ :4 લોકોની હાલત ગંભીર

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે હાજર:NDRF, SDRF અને ફાયર ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જારી:આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચી સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી

પાટનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. કુડાસણ ખાતે નિર્માણાધીન 'બોસ્કી ધ એમ્પાયર' નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સેન્ટિંગ સ્ટ્રક્ચર સાથે આખો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો. વિશાળ સ્લેબ તૂટી પડતાં સાઇટ પર કામ કરી રહેલા 10 થી 15 જેટલા શ્રમિકો ભારે કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર 13 લોકો સારવાર હેઠળ જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ અને ગાંધીનગરની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સાઇટ પર પહોંચી ગઈ હતી. આ સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પણ સંયુક્ત રીતે મોરચો સંભાળી લીધો છે. છેલ્લા 2 કલાકથી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારેખમ કોંક્રિટ સ્લેબ અને લોખંડના પાઈપોનો કાટમાળ હટાવવા માટે વિશાળ ક્રેન અને અત્યાધુનિક કટર મશીનરી કામે લગાડવામાં આવી છે. સ્થળ પર જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ ટુકડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

(12:38 AM IST)