<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

ગાંધીનગરમાં આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાંથી આવેલા યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કર્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવીને વિકાસની રાજનીતિનો નવો ચીલો ચાતર્યો છે : દેશના વિકાસ માટે યુવાનો હક માટે લડવાની સાથે પોતાની ફરજ નિભાવે તે પણ એટલું જ અનિવાર્ય

ગાંધીનગર:ગાંધીનગર ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી આવેલા મોટી સંખ્યાના યુવાનોને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ આહવાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના નવયુવાનોએ પોતાના હક માટે લડવાની સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી પણ એટલી જ જરૂરી છે. એક વિઝનરી નેતૃત્વના માધ્યમથી વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણ કેવી રીતે સાકાર થઈ શકે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યો દ્વારા સાબિત કરી બતાવ્યું છે. પાછલા ૧૨ વર્ષોના શાસનકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના આગવા વિઝનથી દેશની સમગ્ર કાયાપલટ કરી છે અને તેના જ પરિણામે દેશની જનતાનો સરકાર પરનો વિશ્વાસ અવિરત વધતો રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારની સિદ્ધિઓ વર્ણવતા ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ કલાક વીજળી, પીવાનું શુદ્ધ પાણી અને પાકા રોડ-રસ્તા જેવા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. વર્ષ ૨૦૦૩માં શરૂ કરાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના માધ્યમથી ગુજરાતને વૈશ્વિક ફલક પર પ્રસ્થાપિત કરીને દેશનું મજબૂત ગ્રોથ એન્જિન બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપીને અને સત્તાને માત્ર સેવાનું માધ્યમ બનાવીને વિકાસની રાજનીતિનો નવો ચીલો ચાતર્યો છે. તેમણે ‘જે કહેવું તે કરવું’ની પારદર્શી કાર્યનીતિ અપનાવી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓ પહોંચી શકી છે. ગરીબ પરિવારો માટે અમલી બનાવાયેલી પીએમ આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના હેઠળ ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડીને કરોડો નાગરિકોને મોટો આર્થિક આધાર આપવામાં આવ્યો છે.
આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વિશ્વમાં જે પણ સર્વશ્રેષ્ઠ હોય તે ભારતમાં પણ ઉપલબ્ધ હોવું જોઈએ તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ રહી છે. જેના ભાગરૂપે દેશમાં સેમિકંડક્ટર સહિતની વર્લ્ડ ક્લાસ ઇન્ડસ્ટ્રીઝની સફળ શરૂઆત થઈ ચૂકી છે. આ ઐતિહાસિક પરિવર્તનોના કારણે જ ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ૧૦મા ક્રમેથી છલાંગ લગાવીને ૫મા ક્રમે પહોંચી છે અને ટૂંક સમયમાં જ ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પણ સ્વચ્છતા જેવા નાનામાં નાના રાષ્ટ્રહિતના કાર્યોને એટલું જ મહત્વ આપે છે. તેમણે ભવિષ્યની પેઢીની ચિંતા કરીને પ્રાકૃતિક ખેતી, મિશન લાઈફ અને ‘એક પેડ માં કે નામ’ જેવા પર્યાવરણીય અભિયાનો દ્વારા ‘બેક ટુ બેઝિક્સ’નો મંત્ર આપ્યો છે. આ ઉપરાંત ‘હર ઘર તિરંગા’ અને ‘મારી માટી, મારો દેશ’ જેવા રાષ્ટ્રવ્યાપી અભિયાનો થકી દેશવાસીઓમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભવ્ય ભાવના ઉજાગર કરી છે.
આ ખાસ અવસરે માય ભારતના સ્ટેટ ડાયરેક્ટર સચિન શર્માએ કાર્યક્રમની ટૂંકી ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, યુવા પ્રતિભાઓને રાજનીતિમાં લાવીને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિશેષ પહેલ શરૂ કરાવી છે, જેમાં અત્યાર સુધીમાં દેશના અંદાજે ૨.૨૫ કરોડથી વધુ યુવાનો જોડાઈ ચૂક્યા છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-૨૦૨૬’ કાર્યક્રમમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે સહભાગી થયેલા યુવાનોએ પણ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પોતાના યાદગાર અનુભવોનું સવિસ્તાર વર્ણન કર્યું હતું.
આ ગરિમામય કાર્યક્રમમાં વડોદરાના સાંસદ અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષી તેમજ યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. હેમાંગભાઈ જોષી દ્વારા તમામ મહાનુભાવો અને યુવાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે યુવા મોરચાના પ્રભારી કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(10:19 PM IST)