News of Saturday, 16th May 2026
સુપર અલ નીનોની અસર હેઠળ 25 "મે"થી નૌતપાનો પ્રારંભ થશે, ગુજરાત સહિત દેશભરમાં 9 દિવસ સુધી આકરી ગરમીનું એલર્ટ જાહેર
હવામાન વિભાગે 25 મેથી 2 જૂન સુધી તાપમાન 45 ડિગ્રીથી ઉપર જવાની આગાહી કરી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, બપોરે 12થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ

અમદાવાદ, તા. 17 : આ વર્ષે સુપર અલ નીનોની અસરના કારણે ઉનાળો વધુ આકરો બનશે. હવામાન વિભાગ દ્વારા 25 મેથી નૌતપાનો પ્રારંભ થવાની આગાહી કરવામાં આવી છે. 25 મેથી 2 જૂન સુધીના 9 દિવસ ગુજરાત સહિત દેશભરમાં અત્યંત ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર જવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે આ વખતે પ્રશાંત મહાસાગરમાં સુપર અલ નીનોની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે ભારતમાં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેશે. નૌતપાના 9 દિવસ દરમિયાન સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે અને સીધા કિરણો પૃથ્વી પર પડશે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં તાપમાન 46થી 48 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ગરમીનો પારો 43થી 45 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગરમ પવનો એટલે કે લૂ ફૂંકાવાની પણ આગાહી છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ સાવચેતી રાખવી જરૂરી છે.
આરોગ્ય વિભાગે હીટ સ્ટ્રોકથી બચવા માટે વધુ પાણી પીવા, છાશ, લીંબુ પાણી લેવા અને હળવા સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે. બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ખુલ્લામાં કામ કરતા મજૂરો માટે બપોરે કામના સમયમાં ફેરફાર કરવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દરરોજ બપોરે 3 વાગ્યે બુલેટિન જાહેર કરવામાં આવશે. નાગરિકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
