તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 2nd September 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો આગામી ગુજરાત પ્રવાસ અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતો રદ
3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુરતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું :આ પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનો આગામી ગુજરાત પ્રવાસ અનિવાર્ય સંજોગોને કારણે હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરના ઇન્દ્રોડા વિસ્તાર તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવાના હતા. આ ઉપરાંત, અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે પણ વિવિધ આયોજનો નક્કી કરાયા હતા, જે હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, વડોદરાવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે આગામી 8 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાના પ્રવાસે પધારવાના છે. પીએમ મોદી આ દિવસે શહેરની એમ. એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં આશરે 10, 000 જેટલા લોકોને સંબોધિત કરવામાં આવશે. ખાસ કરીને 'જેન ઝી' (Gen Z) યુવા વર્ગને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના મેદાનને આ સભા માટે પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં પીએમ મોદી વિદ્યાર્થીઓ, કોર્પોરેટ્સ અને શિક્ષણવિદો સાથે પણ સંવાદ કરશે.
આ ભવ્ય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રેલવે, હાઇવે, વડોદરા મહાનગરપાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂપિયા 35,000 કરોડના માતબર ખર્ચના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સુરક્ષા અને વ્યવસ્થાની દૃષ્ટિએ આ કાર્યક્રમમાં માત્ર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવનાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
