<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પત્ની સાથે ગાંધીનગરના કોલવડા ખાતે આવેલા રામજી ચોકમાં અંબે માના ગરબા મહોત્સવમાં પહોંચ્યા

નવરાત્રિ યુવક મંડળ દ્વારા શ્રી રામજી મંદિર (રામજી ચોક) ખાતે આયોજિત રાસ-ગરબા કાર્યક્રમમાં હાજરી આપીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

ગાંધીનગર :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ તેમના પત્ની સોનલબેન શાહ સાથે ગાંધીનગરના કોલવડા ખાતે આવેલા રામજી ચોકમાં અંબે માના ગરબા મહોત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેમના પૂર્વ આયોજિત શેડ્યૂલ અનુસાર, તેઓ શુક્રવારે રાત્રે ગાંધીનગરના કોલવડા ખાતે નવરાત્રિ યુવક મંડળ દ્વારા શ્રી રામજી મંદિર (રામજી ચોક) ખાતે આયોજિત રાસ-ગરબા કાર્યક્રમમાં હાજરી આપીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો છે.

ગરબામાં પહોંચતા પહેલા તેમણે પરિવાર સાથે રૂપાલ ખાતે પ્રસિદ્ધ વરદાયિની માતાજી અને માણસા ખાતે બહુચર માતાજીના મંદિરે પૂજા-અર્ચના અને આરતી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસ્થાપિત પરંપરા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નવરાત્રિના છઠ્ઠા નોરતે પરિવાર સાથે પોતાના વતન માણસા પહોંચ્યા હતા. અહીં માણસા સ્થિત કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના મંદિર ખાતે સમગ્ર પરિવાર સાથે પહોંચીને તેમણે માતાજીની વિશેષ પૂજા તથા દર્શન-આરતીનો લાભ લીધો હતો. દર વર્ષે નવરાત્રિના પાવન પર્વે અમિતભાઈ  શાહ પોતાના પરિવાર સાથે કુળદેવીના દર્શનાર્થે વતન આવતા જ હોય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગર ખાતે પાંચ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે અમદાવાદમાં સેટેલાઇટ પ્રેરણા તીર્થ અને પાલડી વિશ્વનંદીકર જૈન સંધ ખાતે જૈન આચાર્યોના દર્શન કર્યા હતા. ત્યારબાદ ગાંધીનગરના રૂપાલ ખાતે શ્રી વરદાયિની માતાના દર્શન કરી 11 કરોડના ખર્ચે બ્લેક ગ્રેનાઈટમાંથી બનનાર 71  ફૂટ ઊંચી ભગવાન શિવની પ્રતિમાનું શિલાન્યાસ કર્યું હતું.

(11:31 PM IST)