News of Saturday, 25th April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાપર્વમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ સહિતના દિગ્ગજો રવિવારે કરશે મતદાન : ભાજપાએ પ્રદેશ નેતાઓના વોટિંગની વિગતો જાહેર કરી
અમદાવાદ અને સુરતમાં સવારથી જ દિગ્ગજ નેતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે : કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં, મુખ્યમંત્રી શીલજમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઠક્કરબાપાનગરથી લોકશાહીના પર્વમાં સહભાગી થશે

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ રાજ્યના દિગ્ગજ રાજકીય નેતાઓ વિવિધ મતદાન મથકો પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. લોકશાહીના આ પર્વમાં કેન્દ્રીય મંત્રીઓથી લઈને રાજ્યના વહીવટી વડાઓ અને પક્ષના પદાધિકારીઓ વહેલી સવારથી મતદાન પ્રક્રિયામાં જોડાશે.
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહ રવિવારે સવારે ૧૧.૦૦ કલાકે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કરવા પહોંચશે. તેઓ અંકુર ચાર રસ્તા પાસે આવેલી નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે કામેશ્વર મહાદેવની બાજુમાં મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સવારે ૧૦.૦૦ કલાકે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી શીલજ પ્રાથમિક શાળાના રૂમ નં-૨ ખાતે પોતાનો કિંમતી વોટ આપશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સવારે ૮.૦૦ કલાકે પોતાના નિવાસસ્થાન વિક્રમ પાર્ક પ્લોટિંગ, ઠક્કરબાપાનગરથી મતદાન માટે રવાના થશે. તેઓ ઠક્કરબાપાનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝાની સામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા સંકુલ ખાતે મતદાન કરશે. તેવી જ રીતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી સુરત ખાતે મતદાન કરશે. હર્ષ ભાઈ સવારે ૮.૦૦ કલાકે ઈચ્છાનાથ વિસ્તારમાં SVR કોલેજની સામે આવેલી સેન્ટ્રલ સ્કૂલના રૂમ નં-૫ ખાતે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કરશે.
પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જાહેર કરવામાં આવેલી આ વિગતો મુજબ, રાજ્યના તમામ પ્રમુખ નેતાઓ રવિવારે સવારના સમયમાં જ મતદાન પૂર્ણ કરી લોકશાહીની પરંપરાને જાળવશે. આ કાર્યક્રમની જાહેરાત સાથે જ કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપા દ્વારા તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને નેતાઓના મતદાન દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યા છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
