<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

નેત્રંગની પીએમ શ્રી થવા બ્રાંચ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી

20 છોકરાઓ અને 32 છોકરીઓ સહિત કુલ 52 વિદ્યાર્થીઓ બન્યા એક દિવસ માટે શિક્ષક; આચાર્યથી પટાવાળા સુધીની ભૂમિકા ભજવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નેત્રંગ તાલુકાની પીએમ શ્રી થવા બ્રાંચ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની અનોખી અને શૈક્ષણિક રીતે મહત્વપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં શાળાના કુલ 52 વિદ્યાર્થીઓ—20 છોકરાઓ અને 32 છોકરીઓ—એ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી હતી.
  આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે વિદ્યાર્થીઓએ માત્ર શિક્ષક બનીને વર્ગખંડમાં પાઠ ભણાવ્યો એટલું જ નહીં, પરંતુ આચાર્યથી લઈને પટાવાળા સુધીની વિવિધ ભૂમિકાઓ પણ વિદ્યાર્થીઓએ જ ભજવી હતી. જેના કારણે સમગ્ર શાળા વ્યવસ્થાનો નજીકથી અનુભવ કરવાનો અનોખો અવસર વિદ્યાર્થીઓને મળ્યો હતો.
  વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં જઈને અલગ-અલગ વિષયો ભણાવ્યા હતા. આ દરમિયાન પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ સાથે બાલવાર્તાઓ, બાળગીતો, નાટકો અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને રસપ્રદ અને આનંદમય રીતે શિક્ષણ આપવામાં આવ્યું હતું.
  એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોતાના સહાધ્યાયીઓને ભણાવતી વખતે વિદ્યાર્થીઓએ શિક્ષકની જવાબદારી, શિસ્ત જાળવવાની કળા, વિષયને સરળતાથી સમજાવવાની રીત અને બાળકોને શિક્ષણ આપવાનો આનંદ અનુભવ્યો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવવાનો અનુભવ આનંદદાયક તેમજ યાદગાર હોવાનું જણાવ્યું હતું.
   આ અનોખી પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતા, આત્મવિશ્વાસ, જવાબદારીની ભાવના, અભિવ્યક્તિ કૌશલ્ય અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ પણ સાર્થક થયો હતો. સાથે જ શાળાના સંચાલનમાં આચાર્યથી લઈને પટાવાળા સુધી દરેકની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તેનો અનુભવ પણ વિદ્યાર્થીઓને થયો હતો.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ ઉત્સાહ, આનંદ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ગુંજી ઉઠ્યું હતું. શિક્ષક દિનની ઉજવણી માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહે, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષક અને શાળા વ્યવસ્થાની જવાબદારીનો પ્રત્યક્ષ અનુભવ મળે, તે દિશામાં પીએમ શ્રી થવા બ્રાંચ પ્રાથમિક શાળાની આ પહેલ નોંધપાત્ર બની રહી હતી

(12:59 AM IST)