<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ડાંગમાં સાર્વત્રિક ઝરમર વરસાદઃ ગીરા, પૂર્ણા અને અંબિકા નદીઓ બે કાંઠે

સમગ્ર જીલ્‍લામાં પ્રકૃતિ ખીલી ઉઠીઃ ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી

અમદાવાદઃ રાજયમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના એકમાત્ર ગિરિમથક ધરાવતા ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ઝરમર વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા આહલાદક વરસાદને કારણે સમગ્ર જિલ્લો લીલીછમ ચાદર ઓઢીને ખીલી ઊઠ્યો છે. વરસાદના પગલે જિલ્લાના ગ્રામીણ વિસ્તારો અને પહાડી વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.

 

ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ગીરા, પૂર્ણા, અંબિકા અને ખાપરીમાં પાણીની વિપુલ આવક થતાં બંને કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં ધસમસતા પ્રવાહને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે વિશેષ એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકો અને મુલાકાતીઓને નદી કિનારે કે પાણીના પ્રવાહ નજીક ન જવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.

 

વરસાદના કારણે ડાંગના ડુંગરાળ વિસ્તારો અને પ્રસિદ્ધ શિવઘાટ સહિતના નાના-મોટા તમામ ઝરણાં ફરીથી સક્રિય બની ગયા છે. જેના કારણે સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. આ આહલાદક વાતાવરણનો આનંદ માણવા માટે પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા મળેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 4 કલાક દરમિયાન ડાંગના વિવિધ તાલુકાઓમાં આહવા: 0.79 ઇંચ, વઘઈ: 0.67 ઇંચ, સાપુતારા: 0.39 ઇંચ, તથા  સુબીરમાં  0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.

સમગ્ર ડાંગ જિલ્લામાં હાલમાં પણ ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ છે, જેનાથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.

(11:30 AM IST)