તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ભાદરવી પૂનમના મેળાર્થે અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે અનરિઝર્વ્ડ મેળા સ્પેશિયલ ટ્રેનનો આજથી શુભારંભ : સાબરકાંઠા અને અમદાવાદ પશ્ચિમના સાંસદોની રજૂઆતને સફળતા
૧૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી દરરોજ દોડશે ૮ કોચ ધરાવતી મેમુ ટ્રેન : નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશને આપવામાં આવ્યા સ્ટોપેજ

અમદાવાદ: ખેડબ્રહ્મા ખાતે આયોજિત થનારા પ્રસિદ્ધ "ભાદરવી પૂનમ" મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ધાર્મિક પ્રસંગોમાં સામેલ થવા પહોંચતા હોય છે. શ્રદ્ધાળુઓની આ મોટી સંખ્યા અને સુવિધાને ધ્યાને રાખીને સાબરકાંઠાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તથા અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા દ્વારા અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ સમક્ષ અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે ખાસ મેળા ટ્રેન ચલાવવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આજરોજ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬થી અસારવા-ખેડબ્રહ્મા-અસારવા વચ્ચે વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનનું સંચાલન શરૂ કરી દેવાયું છે, જે આગામી ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી દરરોજ દોડશે.
ટ્રેનનું સમયપત્રક અને સંચાલન:
* ટ્રેન નંબર ૦૯૪૦૫ (અસારવા-ખેડબ્રહ્મા): ૧૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન દરરોજ અસારવાથી સવારે ૦૯:૩૫ કલાકે ઉપડશે. આ ટ્રેન નરોડા સવારે ૦૯:૪૩/૦૯:૪૫ કલાકે, હિંમતનગર ૧૦:૫૮/૧૧:૦૦ કલાકે, વડાલી ૧૧:૪૦/૧૧:૪૨ કલાકે થઈને બપોરે ૧૨:૧૦ કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.
* ટ્રેન નંબર ૦૯૪૦૬ (ખેડબ્રહ્મા-અસારવા): દરરોજ ખેડબ્રહ્માથી બપોરે ૧૫:૩૫ કલાકે ઉપડી વડાલી ૧૫:૪૩/૧૫:૪૫ કલાકે, હિંમતનગર ૧૬:૨૩/૧૬:૨૫ કલાકે, નરોડા ૧૭:૨૩/૧૭:૨૫ કલાકે થઈ સાંજે ૧૮:૧૦ કલાકે અસારવા પહોંચશે.
સ્ટોપેજ અને કોચ સંરચના:
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશનો પર રોકાણ કરશે. આ ટ્રેન ૦૮ કોચ ધરાવતી મેમુ (MEMU) રેકથી સંચાલિત કરવામાં આવી રહી છે, જેમાં તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસ શ્રેણીના રહેશે. ટ્રેનોના સમય અને વધુ વિગતો માટે મુસાફરોને રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
