તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
દાહોદના રાજકારણમાં અકલ્પનીય વળાંક: એક જ ઉમેદવાર પાસે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોના મેન્ડેટ! ભારતસિંહ વાખળાએ રચ્યો નવો ઇતિહાસ
બચુ ખાબડના ગઢમાં રાજકીય ગણિતો ઉલટાયા: પીપેરો જિલ્લા પંચાયત બેઠક પર સર્જાયેલી અજીબોગરીબ સ્થિતિથી રાજ્યભરમાં આશ્ચર્ય, ૧૫મી એપ્રિલે ફોર્મ ખેંચવાના દિવસે જ ખબર પડશે કે ભારતસિંહ કોના પક્ષે લડશે

દાહોદ:દાહોદ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવી વિસ્મયજનક અને અજીબોગરીબ પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેને જોઈને અનુભવી રાજકીય વિશ્લેષકો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવાર કોઈ એક પક્ષના મેન્ડેટ પર લડતા હોય છે, પરંતુ અહીં તો ગંગા ઉલટી વહી રહી હોય તેમ એક જ ઉમેદવાર પાસે રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના સત્તાવાર મેન્ડેટ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા પંચાયતની પીપેરો બેઠક પર ભારતસિંહ વાખળાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી - એમ ત્રણેય પક્ષના અધિકૃત ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં એક નવો જ મિસ્ટ્રી સર્જી દીધી છે.
દિગ્ગજ નેતા બચુ ખાબડના વિસ્તારમાં મોટો અપસેટ:
પીપેરો બેઠક એ ભાજપના દિગ્ગજ નેતા બચુ ખાબડનો ગઢ ગણાય છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભારતસિંહ વાખળાએ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડીને બચુ ખાબડને જોરદાર ટક્કર આપી હતી. જોકે, આ વખતે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સમીકરણો સાવ બદલાઈ ગયા છે. ભારતસિંહ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને ‘આપ’માં જોડાયા હતા, પરંતુ ભાજપે છેલ્લી ઘડીએ ખેલ પાડીને તેમને મેન્ડેટ આપી દેતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. હાલની સ્થિતિએ તેમની પાસે ત્રણેય પક્ષોના ટેકા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
બેઠકનું ગણિત અને ઉમેદવારીની મિસ્ટ્રી:
પીપેરો બેઠક પર હાલમાં કુલ ૧૧ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં ભાજપના ૫, કોંગ્રેસના ૨, આમ આદમી પાર્ટીનું ૧, ભારતીય રાજકીય પક્ષ (BRP) નું ૧ અને ૨ અપક્ષ ફોર્મનો સમાવેશ થાય છે. આ ૧૧ ફોર્મમાં ભારતસિંહ વાખળાએ ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી રજૂ કરી છે. ભાજપે પોતાના જ જૂના હરીફને મેન્ડેટ આપી દેતા સ્થાનિક કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
૧૫ એપ્રિલે થશે આખરી ફેંસલો:
આ સમગ્ર રાજકીય મિસ્ટ્રીનો ઉકેલ હવે ૧૫મી એપ્રિલના રોજ આવશે. ફોર્મ ખેંચવાની અંતિમ મુદત પૂરી થયા બાદ જ સ્પષ્ટ થશે કે ચૂંટણી પંચ દ્વારા કયા પક્ષનું મેન્ડેટ માન્ય રાખવામાં આવે છે અને ભારતસિંહ અંતે કયા પક્ષના ચિહ્ન પર ચૂંટણી મેદાનમાં ઉતરશે. ત્યાં સુધી આ ‘ત્રિપાંખિયો ઉમેદવાર’ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે કુતૂહલ અને ચર્ચાનું કેન્દ્ર બની રહેશે. વહીવટી તંત્ર અને રાજકીય વિશ્લેષકો પણ આ અજીબોગરીબ કિસ્સામાં કાયદાકીય પાસાઓ ચકાસી રહ્યા છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
