<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

તહેવારોમાં મીઠાઇનાં બોક્‍સ ઉપર યુઝ બાય ડેટ સ્‍વાસ્‍થ્‍યના હિતમાં જરૂરી

અન્‍ય રાજ્‍યમાં મીઠાઇ માટે વપરાશની છેલ્‍લી તારીખ લખવી ફરજિયાત

અમદાવાદ તા.૩૧: દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે અને મીઠાઇનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્‍યારે જેમ અનેક ખાદ્ય પદાર્થો છેલ્‍લી કઇ તારીખ સુધી વપરાશ કરી શકાય તેવું લખાણ પેકેટ ઉપર હોય છે તેમ મીઠાઇમાં પણ હોવું જોઇએ તેવી રજૂઆત સરકારમાં ગ્રાહકલક્ષી સંગઠન દ્વારા કરાઇ છે. મીઠાઇમાં માવાનો ઉપયોગ થતો હોવાથી તે જલદી બગડી જાય તેવી વસ્‍તુ હોવાથી મીઠાઇના બોક્‍સ ઉપર કે છૂટક વેચાતી હોય તો પણ યુઝ બાય ડેટ હોવી જરૂરી છે. દેશના અન્‍ય રાજ્‍ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ વિગેરેમાં મીઠાઇના વેચાણમાં આવી તારીખ લખવી ફરજિયાત છે ત્‍યારે ગુજરાતમાં પણ તેનો ફરજિયાત અમલ કરવા માગ કરાઇ છે.

દિવાળીના તહેવારો પૂર્વે જ રાજ્‍યનો આરોગ્‍ય વિભાગ નાગરિકોના સ્‍વાસ્‍થ્‍યના હિતમાં મીઠાઇ ઉપર વપરાશની છેલ્‍લી તારીખ લખવાની બાબતનો અમલ કરાવે તેવી રજૂઆત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સંગઠન દ્વારા કરવામાં આવી છે.

ફક્‍ત મીઠાઇ જ નહીં નમકીન પેકેટ, લુઝ બિસ્‍કિટ વિગેરેમાં પણ તે ક્‍યાં સુધી ખાઇ શકાય તેનો ઉલ્‍લેખ કરવો જરૂરી છે. મીઠાઇ, બિસ્‍કિટ કે નમકીનના પેકેટનો સામાન્‍ય રીતે લાંબા સમય સુધી નાગરિકો વપરાશ કરતા હોય છે પરંતુ જો તે ખાવાલાયક ન રહેતો ઉધરસથી લઇને અન્‍ય બીમારી થવાનું પણ જોખમ રહેતું હોય છે. મીઠાઇ સહિતના ખાદ્ય પદાર્થોનું દિવાળીના તહેવારોમાં ધૂમ વેચાણ થતું હોય છે અને બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકો પણ તે ખાતા હોય છે. તેમ છતાં મીઠાઇનું છૂટક વેચાણ કરતા વેપારીઓ કે મોટી કંપનીઓ પણ મોટાભાગના કિસ્‍સામાં તે ક્‍યાં સુધી ખાઇ શકાય તેમ છે તેનો સ્‍પષ્ટ ઉલ્‍લેખ કરતા નથી.

ગ્રાહક સંગઠનના પદાધિકારી જશવંતસિહ વાઘેલાના જણાવ્‍યા મુજબ ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા દ્વારા ૨૦૨૦ના વર્ષમાં મીઠાઇ માટે આવી જોગવાઇ કરવામાં આવી હતી પરંતુ અકળ કારણસર તેને ૨૦૨૩થી મરજિયાત કરી દેવામાં આવી છે. તેના કારણે જે ઉત્‍પાદકોને ફાવતું જડી ગયું છે. જો આવી તારીખ લખવામાં આવે તો તે કેટલા સમય સુધી વાપરી શકાય તેની જાણકારી નાગરિકોના હિતમાં છે.

 

(10:39 AM IST)