<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મદદનીશ કેળવણી નિરીક્ષકની ખાલી જગ્‍યા બઢતીથી ભરાશે

૧૬૯ જગ્‍યા ભરવા ખાસ સ્‍પર્ધાત્‍મક પરીક્ષા અંગેનું જાહેરનામું બહાર પડાયું: ૧૮મીથી કાર્યવાહી શરૂ : ૧૮મેથી ૩૦ મે સુધી ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે, જૂન-જુલાઈમાં પરીક્ષા લેવાશે

અમદાવાદ તા.૧૩: રાજ્‍યની પ્રાથમિક સ્‍કૂલો માટે મદદનીશ કેળવણી નિરીક્ષકની ખાલી જગ્‍યાઓ બઢતીથી ભરવા માટે રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે. બોર્ડ દ્વારા ખાસ સ્‍પર્ધાત્‍મક પરીક્ષા દ્વારા ૧૬૯ જગ્‍યાઓ ભરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. આ પરીક્ષા માટે ૧૮ મેથી ઓનલાઈન રજિસ્‍ટ્રેશનનો પ્રારંભ થશે અને ૩૦ મે સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે. જ્‍યારે પરીક્ષા જૂન-જુલાઈ માસમાં લેવાનું રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજન કરાયું છે. તાજેતરમાં રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા સીપી ભરતથી મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્‍યાઓ ભરવા માટે પ્રિલિમ પરીક્ષા લેવામાં જેનુ પરિણામ પણ એપ્રિલમાં જાહેર કરી દેવામાં આવ્‍યું હતું અને હવે તેની મુખ્‍ય પરીક્ષા લેવામાં આવનાર છે.

ગુજરાત રાજ્‍યના શિક્ષણ વિભાગ હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) ની ખાલી જગ્‍યાઓ ભરવા માટે રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. આ પરીક્ષા જૂન-જુલાઈ ૨૦૨૬ દરમિયાન યોજાશે. રાજ્‍યની વિવિધ જિલ્‍લા અને નગર શિક્ષણ સમિતિઓમાં કુલ ૧૬૯ જેટલી જગ્‍યાઓ આ પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ ઉમેદવારો ૧૮ મેથી ૩૦ મે દરમિયાન ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. જ્‍યારે ૧ જૂન સુધી ઓનલાઈન ફ્રી ભરવાની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. ત્‍યારબાદ જૂન-જુલાઈમાં પરીક્ષાનું આયોજન કરાશે.

આ ખાસ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં માત્ર એવા જ ઉમેદવારો ભાગ લઈ શકશે જેઓ શિક્ષણ વિભાગના ધારાધોરણો મુજબ લાયકાત ધરાવે છે. જેમાં ઉમેદવાર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી અથવા જિલ્‍લા/નગર શિક્ષણ સમિતિમાં મુખ્‍ય શિક્ષક તરીકે ઓછામાં ઓછો ૫વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. જે ઉમેદવાર સામે ખાતાકીય તપાસ કે વરિષ્ઠતા અંગેના કાનૂની વિવાદો કોર્ટમાં પડતર હરશે, તેઓ આ પરીક્ષા માટે લાયક ગણાશે નહીં. મહત્ત્વની નોંધ એ છે કે, HTAT મુખ્‍ય શિક્ષક હાલમાં જે જિલ્‍લામાં ફરજ બજાવતા હશે, તે જ જિલ્‍લાની જગ્‍યા માટે લાયક ગણાશે.

આ કસોટી બહુવિકલ્‍પ સ્‍વરૂપની (MCQ) રહેશે અને પુસ્‍તક વિના આપવાની રહેશે. કુલ ૨૦૦ ગુણના ૨૦૦ પ્રશ્નો પુછવામાં આવશે અને જવાબ લખવા માટે ૧૨૦ મિનીટનો સમય અપાશે. જેમાં વિભાગ-૧માં ૫૦૦ ગુણના ભારતની ભૂગોળ, ઈતિહાસ (ગુજરાતના સંદર્ભમાં), માનસિક ક્ષમતા કસોટી, બંધારણ, સામાન્‍ય વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહો અંગેના પ્રશ્નો હશે. જ્‍યારે વિભાગ-૨માં ૧૫૦ ગુણના મુંબઈ અને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-નિયમો, નવી શિક્ષણ નીતિ (NEP-2020), RTI, RTE અને શિક્ષણ ક્ષેત્રની વિવિધ યોજનાઓના પ્રશ્નો પુછાશે

જિલ્‍લાવાર ખાલી જગ્‍યાઓની સ્‍થિતિ

સમગ્ર રાજ્‍યમાં કુલ ૧૮૯ જગ્‍યાઓ પૈકી સૌથી વધુ બનાસકાંઠામાં ૧૦, ખેડામાં ૯, અને અમદાવાદ, કચ્‍છ, રાજકોટ તથા તાપીમાં ૧-૭ જગ્‍યાઓ ભરવા પાત્ર છે. આ કૂલ ૧૬૯ જગ્‍યાઓ પૈકી ૧૪૫ જગ્‍યાઓ જનરલ કેટેગરી માટેની રહેશે. જ્‍યારે? જગ્‍યાઓ એસસી કેટેગરીની અને ૧૧ જગ્‍યાઓ એસટી કેટેગરીની નક્કી કરવામાં આવી છે. જેથી પરીક્ષા બાદ આ જગ્‍યાઓ બઢતીથી ભરવાની કાર્યવાહી કરાશે.

(9:58 AM IST)