તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે ટિકિટના નામે ₹4 લાખ લીધાનો પૂર્વ સરપંચના આરોપથી ખળભળાટ
ટોકરીયા ગામની ગ્રામસભામાં પૂર્વ સરપંચ યાકુબભાઈએ ટિકિટ અપાવવાના બહાને સર્કિટ હાઉસમાં ₹4 લાખ રોકડા લીધાનો અને ચૂંટણીમાં બોગસ મતદાન કરાવ્યાનો સનસનીખેજ આક્ષેપ કર્યો

બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. વડગામ તાલુકાના ટોકરીયા ગામે યોજાયેલી ગ્રામસભા દરમિયાન સ્થાનિક પૂર્વ સરપંચે જાહેરમાં માઇક પર ધારાસભ્ય વિરુદ્ધ લાખો રૂપિયાની રોકડ પડાવવા તેમજ બોગસ મતદાન કરાવવાના અત્યંત ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર રાજ્યના રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
ટોકરીયા ગામની ગ્રામસભામાં ગ્રામજનો સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા ગામના પૂર્વ સરપંચ યાકુબભાઈએ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે દાવો કર્યો હતો કે, "હું બસુ-ટાકરવાડા માર્ગના વિકાસ કામ અંગે જીજ્ઞેશ મેવાણીની કચેરીએ ગયો હતો. તે દરમિયાન મેં મારા એક અંગત મિત્રને ચૂંટણીમાં ટિકિટ અપાવવા માટે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે જીજ્ઞેશ મેવાણીને રોકડા ₹4 લાખ આપ્યા હતા. પરંતુ મારા મિત્રને ટિકિટ પણ ન મળી અને આજદિન સુધી તેમણે તે નાણાં પણ પરત આપ્યા નથી.
આક્ષેપોની વણઝાર ચલાવતા પૂર્વ સરપંચે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા સામે પણ મોટા સવાલો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અગાઉની ચૂંટણી વખતે તેમણે પોતાના અંગત ખર્ચે મુંબઈ ખાતે રહેતા 250 જેટલા લોકોને ખાસ વાહનો કરીને વડગામ બોલાવ્યા હતા અને તેમના મતદાન કરાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં ગેરહાજર રહેલા મતદારોના બોગસ મતો નંખાવીને મતચોરી કરવામાં આવી હતી. આ કબૂલાત અને આક્ષેપો સામે આવ્યા બાદ ચૂંટણી પંચની ભૂમિકા અને મતદાન પ્રક્રિયા અંગે પણ સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ જાગી છે.
પૂર્વ સરપંચ યાકુબભાઈએ વધુમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે જીજ્ઞેશ મેવાણી માત્ર કાગળ પર જ રોડ-રસ્તાના કામો ગણાવી રહ્યા છે, વાસ્તવમાં જમીન પર કોઈ નક્કર કામ થયું નથી. તેમણે જણાવ્યું કે ગામમાં ગરીબો માટે મંજૂર થયેલા 100 રાહત પ્લોટના ફોર્મ તૈયાર થઈ ચૂક્યા હતા, પરંતુ ધારાસભ્યે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને પ્લોટ ફાળવવાની મનાઈ કરી દેતાં તે ફોર્મ પરત આવી ગયા હતા.
આ ઉપરાંત સ્થાનિક આગેવાન સિદ્દીકભાઈને પણ જીજ્ઞેશ મેવાણીએ કિન્નાખોરી રાખીને ખોટા એટ્રોસિટી કેસમાં ફસાવી દીધા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્લોટ મામલે સ્થાનિકોએ પોલીસ મથકે લેખિત અરજી પણ કરી હોવાની વિગતો સામે આવી છે.
જીજ્ઞેશ મેવાણી સામે ગ્રામસભામાં ભ્રષ્ટાચારના ખુલાસા થતાં જ ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના વરિષ્ઠ મહિલા નેતા અને પૂર્વ મંત્રી ડૉ. મનીષાબેન વકીલએ કોંગ્રેસ પક્ષને આડે હાથ લેતા સવાલો ઉઠાવ્યા હતા કે, "પોતાને દલિતો અને વંચિતોના મસીહા ગણાવતા જીજ્ઞેશ મેવાણી સામે આટલા ગંભીર ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા છે, ત્યારે શું કોંગ્રેસ હાઈકમાન્ડ તેમની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરશે?"
તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં રાત-દિવસ એક કરીને જીતાડનારા પોતાના જ કાર્યકરો અને મતદારો સાથે મેવાણીએ વિશ્વાસઘાત કર્યો છે. તેમણે સવાલ કર્યો હતો કે મેવાણીએ અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે લાખો રૂપિયા ખંખેર્યા હશે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
