તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
વડનગરની ઐતિહાસિક ધરા પર ‘શ્રાવણ ઉત્સવ’ : ભવ્ય "ડમરૂ યાત્રા"મા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ : ૧૦૮ કલાકારોના નાદથી ગુંજી ઉઠ્યું વડનગર : જુઓ વિડિયો
શ્રાવણોત્સવ નિમિત્તે આયોજિત સમૂહ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના શિવભક્તો જોડાયા : રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત પવિત્ર "ડમરૂ યાત્રા" નીલકંઠ મહાદેવથી હાટકેશ્વર મહાદેવ સુધી ભક્તિભાવપૂર્વક સંપન્ન

રાજકોટ તા.૨ : વડનગરની ઐતિહાસિક ધરા પર દરરોજ ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ ના ઉપલક્ષમાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ભવ્ય અને દિવ્ય ‘ડમરુ યાત્રા’ નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજની "ડમરૂ યાત્રા"માં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને શ્રદ્ધાપૂર્વક સહભાગીતા નોંધાવી હતી. આ સમૂહ "ડમરૂ યાત્રા"એ સમગ્ર વડનગરને શિવમય વાતાવરણમાં તરબોળ કરી દીધું હતું અને શ્રાવણ માસની આસ્થાને વધુ પ્રગાઢ બનાવી હતી.
આજે વહેલી સવારે નીલકંઠ મહાદેવ મંદિરથી આ "ડમરૂ યાત્રા"નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સમૂહ યાત્રાનું મુખ્ય આકર્ષણ ૧૦૮ કલાકારો દ્વારા કરવામાં આવેલું સમૂહ ડમરુ વાદન હતું. જેના નાદથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. આ "ડમરૂ યાત્રા" નિર્ધારિત રૂટ મુજબ નીલકંઠ મહાદેવથી નીકળી સાકેત સોસાયટી, સરકારી લાયબ્રેરી, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, નગરપાલિકા રોડ અને રેલ્વે સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ "ડમરૂ યાત્રા"નું ભવ્ય સમાપન પવિત્ર શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સાંસ્કૃતિક અને ધાર્મિક મહોત્સવમાં લોકભાગીદારીનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. આ ડમરુ યાત્રામાં માત્ર સ્થાનિક રહેવાસીઓ જ નહીં, પરંતુ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તો વિશેષ રૂપે જોડાયા હતા.વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ પ્રસંગે શિવભક્તો સાથે જોડાઈને ભક્તિમય માહોલમાં સહભાગી થયા હતા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ ઉત્સવે વડનગરના સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક પરંપરાને નવી ઊંચાઈ બક્ષી છે.
"ડમરૂ યાત્રા"ના અંતમાં હાટકેશ્વર મહાદેવના વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, પદાધિકારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને શિવભક્તો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
