<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વડનગરની ઐતિહાસિક ધરા પર 'વિશ્વશાંતિ મહાયજ્ઞ': લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના આશીર્વાદ લીધા : જુઓ વિડિયો

આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્ર સમા વડનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞનું ભવ્ય આયોજન: લોકસભા અધ્યક્ષશ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિ:જગદગુરુ પૂજ્યશ્રી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં વડનગરમાં દિવ્ય મહાયજ્ઞ: ઓમ બિરલાએ ભગવાન હાટકેશ્વરના દર્શન કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી

વડનગર:ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી વડનગરની પવિત્ર ધરા પર શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નું અત્યંત ભવ્ય અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક ચેતનાથી સભર આ મહાયજ્ઞના આઠમા દિવસે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિશેષ હાજરી આપી પવિત્ર વાતાવરણમાં સહભાગી થયા હતા. આ અવસરે તેમની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વડનગરની ભૂમિ પર ગુંજી રહેલા મંત્રોચ્ચાર વચ્ચે દિવ્ય અનુભૂતિ કરી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહાયજ્ઞની યજ્ઞશાળાના રૂબરૂ દર્શન કરી મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક સહભાગિતા નોંધાવી હતી. અધ્યક્ષએ શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકરાચાર્ય સ્વામીજીના દર્શન કરી તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. જગદગુરુ સાથેની આ મુલાકાત દરમિયાન દેશની શાંતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં આધ્યાત્મિક પરામર્શ પણ થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત બંને ગૃહોના અધ્યક્ષોએ વડનગરના આ આધ્યાત્મિક મહોત્સવને રાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક ગણાવ્યું હતું.
આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈ શીશ નમાવ્યું હતું. અધ્યક્ષએ મહાદેવના પવિત્ર દર્શન અને પૂજન અર્ચન કરી સમસ્ત જનતાની સુખાકારી, શાંતિ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે મંગલ પ્રાર્થના કરી હતી. વડનગરની પવિત્ર ધરા પર આયોજિત આ મહાયજ્ઞમાં શ્રદ્ધાળુઓ અને સંતો-મહંતોની ભારે ભીડ ઉમટી રહી છે, જેના કારણે સમગ્ર પંથક ભક્તિમય અને આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બની ગયો છે.
આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, જિલ્લા કલેકટર ડૉ. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી હર્ષિલ મીણા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને પદાધિકારીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:05 PM IST)