News of Monday, 16th November 2026
વડનગરની પવિત્ર ધરા પર ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે યજ્ઞશાળાના દર્શન કરી ધન્યતા અનુભવી
જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ; હાટકેશ્વર મહાદેવના ચરણોમાં રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના: મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે મુખ્યમંત્રીએ મેળવ્યા પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ

ગાંધીનગર :ઐતિહાસિક અને ધાર્મિક નગરી વડનગરની પવિત્ર ભૂમિ પર લોકકલ્યાણના હેતુથી આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ના છઠ્ઠા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના મંગલ સાનિધ્યમાં યોજાઈ રહેલા આ અનુષ્ઠાનમાં મુખ્યમંત્રીએ સહભાગી થઈ યજ્ઞશાળાના દર્શન કર્યા હતા.
વેદમંત્રોના પાવન ઘોષથી ગુંજી રહેલા વાતાવરણમાં મુખ્યમંત્રીએ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરી રાજ્યની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
આધ્યાત્મિકતા અને જનસેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મહાયજ્ઞ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને જનસુખાકારીના સંકલ્પને દોહરાવ્યો હતો. શ્રદ્ધા અને ભક્તિસભર આ માહોલમાં મુખ્યમંત્રીએ યજ્ઞની પવિત્ર રુચાઓના ગાન વચ્ચે દિવ્યતાની અનુભૂતિ કરી હતી.
આ અવસરે સ્વામીજીના હસ્તે મુખ્યમંત્રીએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
વડનગરની પવિત્ર ધરા પર આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.
તેમણે મહાદેવના દર્શન કરી સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી, શાંતિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરી હતી. મુખ્યમંત્રીની આ આસ્થાપૂર્વકની ઉપસ્થિતિએ વડનગરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને વધુ પ્રજ્વલિત કર્યું હતું.
વડનગર ખાતે ચાલી રહેલા આ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિએ ઉપસ્થિત ભક્તો અને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જગાડ્યો હતો.
મંત્રોચ્ચાર અને યજ્ઞની આહુતિઓથી પવિત્ર બનેલા આ સ્થળે મુખ્યમંત્રીએ આધ્યાત્મિક શક્તિના દર્શન કરી ગુજરાતના વિકાસ અને કલ્યાણ માટેના પોતાના સંકલ્પને બળ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગ આધ્યાત્મિક ચેતના અને શાસકીય કર્તવ્યના સંગમ સમાન બની રહ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
