<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

વડોદરામાં વિદ્યાર્થિનીએ પ્રેમ સંબંધ છુપાવવા માટે અજાણ્યા શખ્શોએ ચપ્પુથી હુમલો કર્યાનું નાટક કર્યું

વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે અજાણ્યા યુવકો દ્વારા હુમલો થયો હોવાનો દાવો કરનાર વિદ્યાર્થિનીએ આખી ઘટના પોતે જ રચી હોવાનો ખુલાસો થયો

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા નજીક વિદ્યાર્થિની પર હુમલાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બે અજાણ્યા યુવકો દ્વારા ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ મારવામાં આવ્યો હોવાનો દાવો કરનાર 19 વર્ષીય યુવતીએ આખી ઘટના પોતે જ ઘડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

   ઘટનાએ શરૂઆતમાં ભારે ચકચાર મચાવી હતી. વિદ્યાર્થિનીએ પોતાના કાકાને ફોન કરીને જણાવ્યું હતું કે બે અજાણ્યા બાઈક સવારોએ તેને કંઈક પીવડાવી દીધું અને તેના પર ચપ્પાથી હુમલો કર્યો છે. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.  

યુવતીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં હુમલાખોરોની વિગતવાર ઓળખ આપી હતી. જોકે, પાણીગેટ પોલીસે જ્યારે ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે યુવતીના નિવેદન સાથે મેળ ખાતું કોઈ દ્રશ્ય મળ્યું નહોતું. આથી પોલીસને સમગ્ર ઘટનામાં શંકા ગઈ હતી.

સઘન પૂછપરછ દરમિયાન આખરે સત્ય બહાર આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે યુવતી છેલ્લા ચાર વર્ષથી પોતાના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. પરિવારને આ સંબંધની જાણ ન થાય તે માટે તેણીએ હુમલાની ખોટી સ્ટોરી તૈયાર કરી હતી.પોલીસ મુજબ, યુવતીએ ઘરેથી ફિનાઇલ લઈને નીકળી હતી અને રસ્તામાંથી ચપ્પુ પણ ખરીદ્યું હતું. બાદમાં કમ્પ્યુટર ક્લાસમાંથી નીકળ્યા પછી તેણે પોતે જ ફિનાઇલ પી અને કાકાને ફોન કરીને હુમલો થયો હોવાનું કહ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર યુવક સાથેની વાતચીત પરિવારના ધ્યાનમાં આવી જતાં યુવતી ગભરાઈ ગઈ હતી. પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી જશે તેવા ડરથી તેણે આખું નાટક રચ્યું હતું.પોલીસે જણાવ્યું કે યુવતીએ શરૂઆતમાં પરિવાર અને પોલીસ બંનેને ગોળગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ તપાસ અને સીસીટીવીના આધારે આખી હકીકત બહાર આવી ગઈ છે.

(6:45 PM IST)