તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
વડોદરા એસીબીની સફળ ટ્રેપ: માંજલપુરના મહિલા પીએસઆઈ મલ્લિકાબેન પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતી ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો
આરોપી મહિલા પીએસઆઈ મલ્લિકાબેન પરમાર વતી એએસઆઈ જયકિશન ગામેતીએ કારના ડેશબોર્ડ પર લાંચની રકમ સ્વીકારી : ઈન્ચાર્જ નાયબ નિયામક બળદેવ દેસાઇ અને ઈન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલ ના માર્ગદર્શનમાં ટ્રેપિંગ અધિકારી એન.એમ. તલાટીની આગેવાનીમાં થઈ મોટી કાર્યવાહી

વડોદરા:લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) વડોદરા એકમ દ્વારા વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશન હેઠળની વિશ્વામિત્રી પોલીસ ચોકીના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) મલ્લિકાબેન ખીમજીભાઇ પરમાર અને માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઈ) જયકિશન સોમાજી ગામેતીને રૂપિયા ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવીને આ સફળ ટ્રેપ કેસ દાખલ કર્યો છે.
જામીનની કાર્યવાહી ઝડપી કરવા ૨૫,૦૦૦ ની માંગણી કરી, ૧૦,૦૦૦ નક્કી કર્યા:
આ કેસની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી વિરૂદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે તારીખ ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ વિશ્વામિત્રી પોલીસ ચોકીના પીએસઆઈ મલ્લિકાબેન પરમાર કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ફરિયાદીને હેરાનગતિ ન કરવા તેમજ જામીનની કાર્યવાહી ઝડપી પૂરી કરવા માટે પીએસઆઈ મલ્લિકાબેન પરમારે પ્રથમ રૂપિયા ૨૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ આ અંગે રકઝક કરતા અંતે રૂપિયા ૧૦,૦૦૦ લેવાનું નક્કી થયું હતું.
કારના ડેશબોર્ડ પર લાંચની રકમ મુકાવી એએસઆઈ પકડાયા:
પીએસઆઈ મલ્લિકાબેન પરમારે આ નક્કી થયેલી લાંચની રકમ એએસઆઈ જયકિશન ગામેતીને આપી દેવા માટે ફરિયાદીને જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે તારીખ ૨૭/૦૬/૨૦૨૬ ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ ટ્રેપ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ભાવના ઝેરોક્ષની સામે મુખ્ય રોડ ઉપર આરોપી એએસઆઈ જયકિશન ગામેતીએ પીએસઆઈ મલ્લિકાબેન પરમાર વતી પોતાની માલિકીની મારુતિ સ્વિફ્ટ ગાડી (નંબર GJ-06-LE-8783) માં ડેશબોર્ડ ઉપર રૂપિયા ૧૦,૦૦૦ મુકાવી લાંચ સ્વીકારી હતી. એસીબીએ તુરંત જ દરોડો પાડી લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.
ઉચ્ચ એસીબી અધિકારીઓની ટીમ દ્વારા સુપરવિઝન અને સફળ ટ્રેપ:
આ સફળ ઓપરેશન લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના ઇન્ચાર્જ નાયબ નિયામક બળદેવ દેસાઇ IPS ના માર્ગદર્શન હેઠળ અને વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ કેસના મુખ્ય ટ્રેપિંગ અધિકારી તરીકે વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. તલાટી તથા સ્ટાફ સામેલ હતો, જ્યારે મદદમાં મદદનીશ નિયામકની કચેરી વડોદરા એકમના રીડર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. પઠાન સહભાગી થયા હતા.
આરોપીઓની ઓળખ અને રહેઠાણની વિગત:
(૧) મલ્લિકાબેન ખીમજીભાઇ પરમાર (પો.સ.ઇ. વર્ગ-૩): વિશ્વામિત્રી પોલીસ ચોકી, માંજલપુર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર. (રહેઠાણ: મકાન નંબર ઓ/૧૬, કેવલકૃપા સોસાયટી, અંબે સ્કૂલની પાછળ, માંજલપુર, વડોદરા શહેર).
(૨) જયકિશન સોમાજી ગામેતી (ઉંમર વર્ષ ૪૦, એ.એસ.આઇ. વર્ગ-૩): સર્વેલન્સ સ્કોડ, માંજલપુર પોલીસ સ્ટેશન, વડોદરા શહેર. (રહેઠાણ: ૨૦૨, જમુના ટાવર, અમરશ્રદ્ધા ફ્લેટ, બંસલ મોલની સામે, તરસાળી, વડોદરા. મૂળ રહેવાસી: ગામ બાલેતા, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા).
એસીબી વડોદરા એકમ દ્વારા બંને ભ્રષ્ટાચારી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
