News of Sunday, 12th April 2026
વડોદરામાં સ્કુલના વિદ્યાર્થીઓ વચ્ચે ફરી ડખ્ખોઃ નજીવી બાબતે લોહીયાળ ઘટના ઘટી
કારેલીબાગની સરદાર વિનય વિદ્યાલયમાં સ્કૂલમાં 'ધક્કો લાગવા' જેવી બાબતે ધો-9ના બે વિદ્યાર્થીઓ બાખડ્યા: વિદ્યાર્થીનો બીજા વિદ્યાર્થી પર ચાકુથી જીવલેણ હુમલો

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય વિદ્યાલયમાં શનિવારે શાળા છૂટતી વખતે લોહીયાળ ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. માત્ર ધક્કો વાગવા જેવી સામાન્ય બાબતે ધોરણ-9ના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જોકે, આ ગંભીર મામલે અંતે બંને પક્ષના વાલીઓએ સામસામે ફરિયાદ ન કરી પોલીસ સ્ટેશનમાં જ સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો છે.
11 એપ્રિલના રોજ સરદાર વિનય વિદ્યાલયમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ બહાર નીકળી રહ્યા હતા. આ ભીડમાં ધોરણ-9 માં અભ્યાસ કરતા બે સગીર વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો લાગવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વકર્યો હતો અને ઉશ્કેરાયેલા એક વિદ્યાર્થીએ બીજા પર ચાકુ જેવા હથિયારથી વાર કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ કારેલીબાગ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હુમલાખોર વિદ્યાર્થીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. શાળા પરિસરમાં બનેલી આ ઘટનાને પગલે બંને વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં લાંબી ચર્ચાઓ બાદ, બંને પક્ષના વાલીઓએ એવું વલણ અપનાવ્યું હતું કે, આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને મામલો વધુ ન ખેંચાય, તે માટે કાયદેસરની ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
બંને પક્ષોએ પરસ્પર સહમતીથી પોલીસની હાજરીમાં સમાધાન કરી લીધું હતું અને કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. ભલે આ કિસ્સામાં વાલીઓએ સમાધાન કરી લીધું હોય, પરંતુ શિક્ષણના ધામમાં સગીર વયના વિદ્યાર્થીઓ પાસે તિક્ષ્ણ હથિયારો હોવા અને નાની વાતમાં જીવલેણ હુમલા કરવાની મનોવૃત્તિએ સ્થાનિકો અને અન્ય વાલીઓમાં ચિંતા જન્માવી છે. શાળામાં સુરક્ષા અને બાળકોના વર્તન પર વધુ દેખરેખ રાખવાની જરૂરિયાત આ કિસ્સાથી ફરી એકવાર ઊભી થઈ છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
