તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
વડોદરાના ટ્રાફિક પીએસઆઇને વાહનચાલકને લાફો મારવો ભારે પડ્યો :બદલી કરી લીવ રિઝર્વમાં મુકાયા
પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસના આદેશ આપ્યા: કેસની તપાસ DCP સેક્ટર-1 ને સોંપાઈ :ટૂંક સમયમાં જ સમગ્ર મામલાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ

વડોદરા શહેરમાં ખાખીને દાગ લગાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે,ટ્રાફિક પોલીસે સરેઆમ વાહનચાલકને લાફો ઝીંકી દીધો હતો. આ સમગ્ર શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી જવાબદાર પોલીસ અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે.
આ ઘટના વડોદરાના સમા વિસ્તાર નજીકની છે, જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા સામાનથી ભરેલી એક ગાડીને ચેકિંગ અર્થે રોકવામાં આવી હતી. પોલીસે કોઈ કારણસર ગાડી ડિટેન કરવાનું કહેતા, ડ્રાઈવરે તુરંત જ તેના માલિકને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ગાડીના માલિકે સ્થળ પર આવીને કાયદેસરની રજૂઆત કરી ગાડી ડિટેન ન કરવા વિનંતી કરી હતી, પરંતુ આ સાંભળતા જ ફરજ પરના અધિકારી ભારે અકળાઈ ગયા હતા. વાત આટલેથી ન અટકી, ટ્રાફિક શાખાના PSI કે. એમ. માલીવાડે પિત્તો ગુમાવ્યો હતો અને કાયદો હાથમાં લઈને ગાડીના માલિકને સરેઆમ તમાચો ઝીંકી દીધો હતો. આ દાદાગીરીનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લેતા તે વાયુવેગે વાયરલ થયો હતો અને લોકોમાં પોલીસની આવી જોહુકમી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
વીડિયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ કમિશનરે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. જનતા સાથે ગેરવર્તણૂક કરનાર PSI કે. એમ. માલીવાડ સામે તાત્કાલિક કડક પગલાં ભરીને તેમની ટ્રાફિક શાખામાંથી કંટ્રોલ રૂમ ખાતે બદલી કરી દેવામાં આવી છે અને હાલ તેમને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. આ સાથે જ પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ DCP સેક્ટર-1 ને સોંપવામાં આવી છે અને તેમને ટૂંક સમયમાં જ સમગ્ર મામલાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઈ છે, જેથી ખાખીની ગરિમા લજવનાર સામે વધુ કડક કાનૂની કાર્યવાહી થઈ શકે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
