<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વલસાડમાં ધોધમાર 12 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર : ઔરંગા નદી બે કાંઠે: પારડી અને કાશ્મીરાનગરમાંથી સ્થળાંતર

નાગરિકોને પાણી ભરાયેલા કોઝવે કે નીચાણવાળા માર્ગો પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. રાત્રિ દરમિયાનથી સતત વરસી રહેલા સાંબેલાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને એનડીઆરએફની ટીમો સતત ખડેપગે રહીને બચાવ તેમજ રાહત કામગીરીમાં જોતરાયેલી છે.

આ સાથે જ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 57.69 ઈંચ સુધી પહોંચી ગયો છે, જે આ સિઝનની અડધી સદી બતાવે છે. ઔરંગા નદી બંને કાંઠે વહેતી થતાં કાશ્મીરા નગરના 250 થી 300 લોકોને સુરક્ષિત રામલલ્લા હોલ ખાતે ખસેડી નગરપાલિકા દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

પારડી તાલુકાના કુંભારીયા, તીઘરા, બગવાડા, ઉમરસાડી અને આમળી ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 103 લોકોને સુરક્ષિત સ્થળે કે શાળા-કોમ્યુનિટી હોલમાં ખસેડાયા છે. દરમિયાન, ખડકી ગામ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જેને પગલે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 નાનાપોંઢાના અંભેટી ગામ પાસે નદીના પાણીમાં ફસાયેલી 16 મુસાફરો ભરેલી બસને પોલીસે સ્થાનિક યુવાનોની મદદથી સુરક્ષિત બહાર કાઢી હતી. આ ઉપરાંત વલસાડના પાલીહિલ ખાતે એસટીપી પ્લાન્ટમાં ફસાયેલા 3 મજૂરોનું NDRFની ટીમે સફળ રેસ્ક્યુ કર્યું હતું.

ધરમપુરના બોપી ગામ પાસે કોઝવે પરના ધસમસતા પ્રવાહમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરનાર ચાલકે સમયસૂચકતા વાપરી બહાર કૂદી જતાં જીવ બચાવ્યો હતો, પરંતુ કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. 

 

 

 

ભારે નુકસાનના પગલે પંચાયત અને સ્ટેટ માર્ગ વિભાગ હસ્તકના કુલ 326 રસ્તાઓ સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. ધરમપુરના વિલ્સન હિલ માર્ગ પર ભૂસ્ખલન થતાં અને ખોબા ગામે શાળાની પ્રોટેક્શન વોલ તૂટી જતાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સ્થળ પર પહોંચી તાત્કાલિક રિપેરિંગના આદેશ આપ્યા હતા.

આપત્તિની આ ઘડીમાં વલસાડના હાલર વિસ્તારના રહીશ ભાસીનભાઈ દેસાઈ અને તેમના મિત્રમંડળે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એપાર્ટમેન્ટની નીચે રસોઈ બનાવીને તેઓ જિલ્લા પ્રશાસનના સંકલનમાં રહી અસરગ્રસ્તો માટે 1500 જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરી વિતરણ કરી રહ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા કોઝવે કે નીચાણવાળા માર્ગો પરથી પસાર ન થવા અને તંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

(12:14 AM IST)